રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વહીવટી સરળતા ખાતર શહેરના ૮ બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં મહિલા પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ, અને ટ્રાફિક શાખા જેવા મહત્વના વિભાગોમાં અધિકારીઓની નવી નિમણૂકો કરવામાં આવી છે.
નવા આદેશ અનુસાર, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.બી. બુટીયાની 'રીડર ટૂ સીપી' તરીકે બદલી કરાઈ છે, જ્યારે લીવ રીઝર્વમાં રહેલા આર.જી. પઢીયારને મહિલા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી.બી. જાડેજાને AHTU ખાતે મુકાયા છે અને તેમના સ્થાને ડીસીબીમાંથી પી.આર. ડોબરીયાને સાયબર ક્રાઈમનો હવાલો સોંપવામાં આવ્યો છે.

અન્ય બદલીઓમાં AHTUના કે.કે. ગોહિલને ગાંધીગ્રામ-2 (યુનિ) પોલીસ સ્ટેશન, જ્યારે ત્યાંના પીઆઈ સી.એન. દવેને EOWમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, IUCAWના એસ.એમ. સોલંકીને ટ્રાફિક શાખામાં અને ટ્રાફિક શાખાના જે.જે. હળવદીયાને એન્ટી રેડીક્લાઇઝેશન સેલમાં મુકાયા છે.
આ બદલીઓની સાથે કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને નવી વધારાની જવાબદારીઓ પણ સોંપાઈ છે. જે અંતર્ગત IUCAWનો ચાર્જ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈને, જ્યારે MOB અને સામાજિક સલામતી સ્ક્વોડનો વધારાનો ચાર્જ AHTUના પીઆઈને સોંપવાનો કચેરી હુકમ કરવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને તાત્કાલિક છૂટા થઈ નવા સ્થળે હાજર થવા સુચના અપાઈ છે.