રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પોલીસ વિભાગમાં વહીવટી સુધારણા અને આંતરિક વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે વધુ એક સાથે વધુ 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અગાઉ ગત ૧૯ સપ્ટેમ્બરના રોજ પણ ૨૦ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. છેલ્લા બે મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા ૨૫૦થી વધુ પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી ચૂકી છે.
હેડક્વાર્ટર, કંટ્રોલરૂમ અને પોલીસ સ્ટેશનો વચ્ચે ફેરબદલ
આ તાજેતરની બદલીઓમાં હેડક્વાર્ટર, કંટ્રોલરૂમ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વિવિધ પોલીસ સ્ટેશનો અને કંટ્રોલરૂમ ખાતે ફાળવવામાં આવ્યા છે. જાહેર કરાયેલા લીસ્ટ મુજબ, પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કિશોરદાન ગઢવીને કંટ્રોલ રૂમમાં, જ્યારે હરપાલસિંહ જાડેજા, હસમુખ સતાપરા, સોનલ ખાંભલીયા, કૃતિ વિશ્નુ, પૂનમ કળોતરા અને લાભુબેન મોઢવાડીયા સહિતના કર્મીઓને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, મયૂરધ્વજસિંહ ઝાલા, અનિલ ચોસલા અને રાહુલ મોરીની પણ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.
હેડક્વાર્ટર અને પોલીસ સ્ટેશનમાં સોંપાઈ નવી જવાબદારીઓ
બીજી બાજુ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં અગાઉ ફરજ બજાવતા નારણભાઈ બાવળીયા, કુલદીપ મકવાણા, અલ્પેશ ઉગ્રેજા, સુધીર કંડોલિયા, હિતેન્દ્રસિંહ રાણા અને મલય પંડ્યાની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ પરમારને મહિલા પોલીસ સ્ટેશનમાં અને મહેન્દ્રસિંહ સોઢા, ભરત મુછડીયા, જયેશ અમોતિયા, જતીન સોલંકી તથા કુલા દેસાઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
હજુ ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓની બદલીઓ બાકી
પોલીસ બેડામાં ચાલતી આ આંતરિક ફેરફારની પ્રક્રિયા હજુ અટકી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ બદલી માટે બાકી રહેલા આશરે ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓનો લીથો તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ વ્યાપક બદલીઓથી પોલીસ વિભાગની કામગીરી વધુ ચુસ્ત અને પારદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.