BREAKING NEWS

IIM અમદાવાદમાં રેકોર્ડબ્રેક પ્લેસમેન્ટ: રૂ.2.31 કરોડનું આંતરરાષ્ટ્રીય પેકેજ

  • September 01, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈઆઈએમ અમદાવાદના 2026ના પીએનજી ફાઇનલ પ્લેસમેન્ટમાં આંતરરાષ્ટ્રીય ઓફર્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇન્ડિયન પ્લેસમેન્ટ રીપોર્ટીંગ સ્ટાન્ડર્ડ (આઈપીઆરએસ)ના રિપોર્ટ મુજબ મહત્તમ અર્નિંગ પોટેન્શિયલ (એમઈપી) 2.31 કરોડ રૂપિયા નોંધાયું છે. આ આઈપીઆરએસ શરૂ થયા બાદ અત્યાર સુધીનું સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એમઈપી છે.


આ પહેલાંનો રેકોર્ડ 2014માં 1.92 લાખ ડોલરનો હતો. જ્યારે 2026માં આ આંકડો વધીને 2.43 લાખ ડોલર એટલે કે અંદાજે રૂ.2.31 કરોડ થયો છે. આ પેકેજ દુબઈમાં આઈટી ક્ષેત્રની બિઝનેસ ડેવલપમેન્ટની ભૂમિકા માટે મળ્યું છે. આઈઆઈએમ અમદાવાદના જણાવ્યા મુજબ એમઈપીની ગણતરીમાં વાર્ષિક કેશ કમ્પોનન્ટ, એક વખત મળતી કેશ રકમ અને કુલ ગેરન્ટીડ કેશ કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.


આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં કુલ 392 વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાંથી 6 વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય નોકરી પસંદ કરી. તેમાં 4 વિદ્યાર્થીઓને દુબઈ, જ્યારે એક-એક વિદ્યાર્થીને હોંગકોંગ અને જાપાનમાં નોકરી મળી.


સેક્ટર પ્રમાણે બિઝનેસ કોન્ગ્લોમરેટ્સે 3 વિદ્યાર્થીઓની ભરતી કરી હતી, જ્યારે બીએફએસઆઈ, IT અને રિટેલ ક્ષેત્રે એક-એક વિદ્યાર્થીની ભરતી થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં 2024માં સૌથી વધુ 11 આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ થયા હતા.


ડોમેસ્ટિક પ્લેસમેન્ટમાં ભારતમાં મળેલું મહત્તમ પેકેજ રૂ.81.6 લાખ રહ્યું, જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજો સૌથી મોટો આંકડો છે. જ્યારે મધ્યમ એમઈપી રૂ.36.98 લાખ થયો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. બીએફએસઆઈ સતત બીજા વર્ષે સૌથી વધુ પગાર આપનાર ડૉમેસ્ટિક સેક્ટર રહ્યું છે. જ્યારે સૌથી વધુ ભરતી કન્સલ્ટિંગ ક્ષેત્રે કરી, જેમાં 155 ઓફર્સ મળી. ત્યારબાદ બીએફએસઆઈમાં 82, આઈટી અને બિઝનેસ કોન્ગ્લોમરેટ્સમાં 34-34 અને કન્ઝ્યુમર સર્વિસિસમાં 15 ઓફર્સ મળી.


આ વર્ષે બિઝનેસ ડેવલપમેન્ટની ભૂમિકાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2022થી 2024 દરમિયાન આ કેટેગરીમાં દર વર્ષે માત્ર 2થી 5 ઓફર્સ મળતી હતી, જે 2026માં વધીને 27 ઓફર્સ થઈ ગઈ. કુલ મળીને 182 કંપનીઓએ આશરે 267 વિવિધ ભૂમિકાઓ માટે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.


કંપનીઓમાં એક્સેન્ચર સ્ટ્રેટેજીએ પીપીઓ સહિત સૌથી વધુ 36 ઓફર્સ આપી હતી. ત્યારબાદ બીસીજીએ 33, ફિનઆઈક્યુ કન્સલ્ટિંગએ 24 અને મેકકિન્સે એન્ડ કંપનીએ 21 ઓફર્સ આપી હતી. રિપોર્ટ મુજબ 2026માં 50થી વધુ નવી કંપનીઓ લેટરલ અને ફાઇનલ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application