જંગલેશ્વર ડિમોલિશન કાંડનો તપાસ રિપોર્ટ તૈયાર; ગમે ત્યારે જાહેર થશે
જંગલેશ્વર ડિમોલિશન કાંડનો તપાસ રિપોર્ટ તૈયાર; ગમે ત્યારે જાહેર થશે
October 10, 2026 02:47 PM
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં કોઠારિયા રોડ ઉપર આજી નદીને કાંઠે આવેલા જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલિશનના ખર્ચ, કાજુ કતરી કાંડ સહિતના વિવાદો મામલે મ્યુનિ.કમિશનરે ખાસ તપાસ સમિતિની રચના કરી સમગ્ર મામલાનો અહેવાલ માંગ્યો હતો. દરમિયાન તાજેતરમાં આ અહેવાલ તૈયાર થઇ ગયો હોવાનું અને હવે ગમે તે ઘડીએ તપાસ રિપોર્ટ જાહેર થનાર હોવાનું જાણવા મળે છે.વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આગામી તા.૧૭ને શનિવારે સવારે ૧૧ કલાકે મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષ દ્વારા જંગલેશ્વર ડિમોલિશન મામલેની તપાસ કેટલે પહોંચી, તપાસમાં વિલંબ કેમ, રિપોર્ટ ક્યારે જાહેર થશે ? વિગેરે સવાલો ઇનવર્ડ કરાવતા મનપા તંત્ર ભીંસમાં આવ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. જનરલ બોર્ડ મિટિંગ મળવાને હજુ એક સપ્તાહનો સમય છે ત્યારે તે પૂર્વે જ તપાસ રિપોર્ટ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા હોવાની ચર્ચા છે.