BREAKING NEWS

'હુમલો થશે તો ઇન્ટરનેટ કેબલ પણ ઉડાવી દઈશું', ઈરાને અમેરિકાને આપી ગંભીર ચેતવણી

  • October 23, 2026 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયામાં તણાવ વધવા અને અમેરિકા દ્વારા ઈરાન પર ફરી એકવાર હુમલાની ચર્ચાઓ તેજ થવા વચ્ચે તેહરાને ગંભીર ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને ઈઝરાયેલ હુમલો કરશે, તો આ વખતે ખાડી દેશોમાં દરિયાની નીચે પથરાયેલી કમ્યુનિકેશન (સંચાર) કેબલ પણ તેમના નિશાના પર રહેશે. આનાથી સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ શકે છે.


બે ઈરાની અધિકારીઓએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) નિષ્ફળ જશે અને નવો સંઘર્ષ શરૂ થશે, તો સમુદ્રના તળિયે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સને લક્ષ્ય બનાવવામાં આવશે. એક અધિકારીએ ઉમેર્યું હતું કે ઈરાન આ સંચાર કેબલનું સમારકામ પણ થવા દેશે નહીં, જેથી ઇન્ટરનેટ લાંબા સમય સુધી ખોરવાયેલું રહે. જો ઈરાન પર હુમલો થયો તો કોઈ પણ પ્રકારની 'રેડ લાઇન' રહેશે નહીં.


વળતા પ્રહારમાં સમુદ્ર નીચે બિછાવેલી કેબલથી લઈને ખાડી ક્ષેત્રમાં સ્થિત સૈન્ય મથકો સુધીના તમામ સ્થાનો નિશાના પર હશે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે અમેરિકાએ આગ સાથે ન રમવું જોઈએ, કારણ કે ઈરાન સમુદ્ર નીચેની કેબલ સુધી સરળ પહોંચ ધરાવે છે.


​​​​​​​ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની એજન્સી 'ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન' અનુસાર, વિશ્વભરમાં ઇન્ટરનેટ ટ્રાફિકનો 99 ટકા હિસ્સો આ દરિયાઈ કેબલ દ્વારા જ સંચાલિત થાય છે. ટેલિકમ્યુનિકેશન્સ રિસર્ચ ફર્મ 'ટેલિજિયોગ્રાફી'ના રિસર્ચ ડાયરેક્ટર આલાન મૌલદીને જણાવ્યું હતું કે ઈરાનના હિસ્સામાં આંતરરાષ્ટ્રીય બેન્ડવિડ્થનો માત્ર 1 ટકા હિસ્સો જ આવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સમુદ્રધૂની) માંથી પસાર થાય છે.

આ અગાઉ ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રેઝાઈએ પણ વિધાન આપ્યું હતું કે ઈરાન પરના કોઈપણ નવા હુમલાના જવાબમાં ખાડી દેશોમાં સ્થિત અમેરિકા સાથે જોડાયેલા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં ડેટા સેન્ટર્સ અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સુવિધા કેન્દ્રો સામેલ છે, તેમને નિશાન બનાવવામાં આવશે. નોંધીએ કે ખાડી દેશોમાં અમેરિકી કંપનીઓએ વિશાળ પ્રમાણમાં રોકાણ કરેલું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application