BREAKING NEWS

32 દિવસની શાંતિ બાદ ફરી યુદ્ધ, ઈરાન અને અમેરિકાએ ફરી સામસામે મોટા હુમલા કર્યા

  • August 31, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે અમેરિકન સેનાએ ઈરાનના લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા. 30 જુલાઈ પછી ઈરાન પર આ પહેલો અમેરિકન હુમલો છે. અમેરિકી દળોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના રોકેટ લોન્ચર્સ પર હુમલો કર્યા બાદ આજે વહેલી સવારે ઈરાને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સએ જોર્ડનમાં યુએસ લશ્કરી થાણાઓ (કિંગ હુસૈન અને અલ અઝરાક બેઝ) પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા.


અમેરિકાના હુમલા બાદ, ઈરાને જોર્ડન તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. ફોક્સ ન્યૂઝ અનુસાર, લારાક ટાપુ પર ઈરાની મિસાઈલ લોન્ચર્સ પર અમેરિકન સૈન્યના હુમલા બાદ ઈરાન જોર્ડનમાં અમેરિકન દળો પર હુમલો કરી રહ્યું છે. અત્યાર સુધી, કોઈ મોટી અસરની જાણ થઈ નથી, અને લગભગ બધી જ આવનારી મિસાઈલોને અટકાવવામાં આવી છે.


ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું કે અમેરિકી હુમલામાં તેના કેટલાક જવાનો અને નાગરિકોના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા છે. ઈરાને આ હુમલાને ગંભીર ગણાવી અમેરિકાને સૈન્ય અને આર્થિક રીતે જવાબ આપવાની ધમકી આપી હતી.


અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સના જણાવ્યા અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના દળોને હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ અને સમુદ્રી માઈન્સ છોડવાની તૈયારી કરતા જોવામાં આવ્યા હતા. અમેરિકી સેનાએ ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય જહાજ પરિવહન માટેના માર્ગોમાંથી સમુદ્રી માઈન્સ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી.


જોર્ડનના સશસ્ત્ર દળોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે તેની હવાઈ સીમામાં પ્રવેશેલી આઠ મિસાઈલોને અટકાવવામાં આવી હતી.

અમેરિકાએ છેલ્લે ૩૦ જુલાઈએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી હતી. ત્યારે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના અનેક ઠેકાણાં સહિત દરિયાઈ દેખરેખ અને સંરક્ષણ સ્થળો પર મોટા પાયે હુમલા કર્યા હતા. ત્યારબાદ 1 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગલ્ફ દેશો કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની અપીલ બાદ નવા હુમલા રોકવાનો નિર્ણય લીધો હતો.

અમેરિકા ઈરાન પર આર્થિક દબાણ વધારવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે અમેરિકા દર અઠવાડિયે ઈરાન સામે નવી સેકન્ડરી સૅન્ક્શન જાહેર કરી શકે છે.

ઈરાન યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહી છે. ચીનની ત્રણ મોટી સરકારી એરલાઈન્સ—એર ચાઇના, ચાઇના ઈસ્ટર્ન એરલાઈન્સ અને ચાઇના સધર્ન એરલાઈન્સ—ને સતત સાતમા વર્ષે પ્રથમ છ મહિનામાં નુકસાન થયું છે.

ત્રણેય કંપનીઓનું કુલ નુકસાન આશરે 8.2 અબજ યુઆન એટલે કે લગભગ 1.22 અબજ ડોલર રહ્યું છે. ઈરાન યુદ્ધને કારણે જેટ ફ્યુઅલના ભાવમાં વધારો, આંતરરાષ્ટ્રીય રૂટમાં વિક્ષેપ અને ઊંચા ઈંધણ ખર્ચે એરલાઈન્સ પર ભારે અસર કરી છે. ત્રણેય એરલાઈન્સનો ફ્યુઅલ ખર્ચ પ્રથમ છ મહિનામાં 35થી 38 ટકા વધ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.


હુમલાઓથી હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું નિયંત્રણ નબળું પડશે નહીં: આઈઆરજીસી

ગાર્ડ્સે ચેતવણી આપી છે કે આ હુમલાઓનો સતત, જોરદાર જવાબ આપવામાં આવશે અને જણાવ્યું છે કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના નિયંત્રણને નબળું પાડશે નહીં. લારક ટાપુ પર અમેરિકી હુમલા બાદ ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાંને બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. ઈરાનની સરકારી ટેલિવિઝન પર મિસાઈલો છોડવામાં આવતી તસવીરો દર્શાવવામાં આવી હતી.


ક્રૂડ ઓઇલના ભાવ ફરી પ્રતિ બેરલ 90 ડોલરને વટાવી ગયા

ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા છે.અમેરિકન સૈન્યએ ઇરાની લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો હોવાના સમાચાર બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ 90 ડોલરને વટાવી ગયા હતા. દરમિયાન, યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલ 2.41 ટકા વધીને 85.41 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.


ચૂંટણીઓ નજીક હોવાથી ટ્રમ્પ પર દબાણ વધ્યું

નોંધનીય છે કે તાજેતરના યુએસ હુમલા એવા સમયે થયા છે જ્યારે નવેમ્બરમાં અમેરિકા મધ્યવર્તી ચૂંટણીઓ નજીક આવી રહ્યું છે અને ઈરાન યુદ્ધને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ડેમોક્રેટિક સેનેટર જેક રીડે ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરતા કહ્યું કે છ મહિના પછી પણ, જણાવેલ યુદ્ધ લક્ષ્યોમાંથી કાઈ પણ પ્રાપ્ત થયું નથી અને આનાથી મધ્ય પૂર્વમાં અમેરિકાની સ્થિતિ નબળી પડી છે. પરિણામે, યુએસ પર દબાણ વધી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application