મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ૧૩ એપ્રિલથી સમગ્ર વિશ્વ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) દરિયાઈ સરહદ સંપૂર્ણપણે બંધ છે. ઈરાન બાદ હવે અમેરિકાએ પણ આ વિસ્તારમાં લોખંડી નાકાબંધી કરી દીધી છે. આમ છતાં, આશ્ચર્યજનક બાબત એ છે કે ઈરાન કોઈપણ ડર વગર આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ કમાણી કરીને દરરોજ લાખો બેરલ કાચું તેલ (ક્રૂડ ઓઈલ) વેચી રહ્યું છે. અમેરિકી સેટેલાઇટ અને યુદ્ધજહાજોની નજરથી બચીને અબજો ડૉલરનું તેલ વેચવા માટે ઈરાન એક ખાસ ‘જુગાડ સિસ્ટમ’ એટલે કે ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત જહાજોનો બેડો) નો ઉપયોગ કરી રહ્યું છે.
વોલ સ્ટ્રીટ જર્નલ (The Wall Street Journal) ના સનસનાટીભર્યા અહેવાલ અનુસાર, હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ થયાના છેલ્લા ૪૫ દિવસમાં ઈરાને અંદાજિત ૭૦ મિલિયન (૭ કરોડ) બેરલ કાચું તેલ વેચી માર્યું છે. ઈરાન સરેરાશ દરરોજ ૧.૫ મિલિયન (૧૫ લાખ) બેરલ તેલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્લાય કરી રહ્યું છે. આ તેલ ખરીદવામાં સૌથી મોટું નામ ચીનનું છે, અને ત્યારપછી ઇન્ડોનેશિયા તથા મલેશિયા પણ ઈરાન પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યા છે.
શું છે ઈરાનનું તેલ વેચવાનું ‘જુગાડ સિસ્ટમ’?
અમેરિકાએ ઓમાનની ખાડીમાં પોતાના શક્તિશાળી યુદ્ધજહાજો તૈનાત કર્યા હોવા છતાં, ઈરાન નીચે મુજબની ગુપ્ત પદ્ધતિઓ અપનાવીને અમેરિકાને હાથતાળી આપી રહ્યું છે:
01. કાળા કલર અને તિરપાલનો ખેલ:
ઈરાન પોતાના જૂના અને નકામા થઈ ગયેલા તેલ ટેન્કરોનો આ કામમાં ઉપયોગ કરે છે. અમેરિકી સેટેલાઇટ આ જહાજોને ટ્રેક કે સ્કેન ન કરી શકે તે માટે જહાજો પર લખેલા સત્તાવાર આઈડેન્ટિફિકેશન નંબરોને કાળી શાહી (કલર) થી ભૂંસી નાખવામાં આવે છે. આ ઉપરાંત, જહાજની ઉપરના ભાગને કાળા કલરના મોટા તિરપાલથી ઢાંકી દેવામાં આવે છે.
02. એકસાથે અનેક ટેન્કરો રવાના કરવા:
ઈરાન ક્યારેય એકલું જહાજ મોકલતું નથી. તે એકસાથે અનેક તેલ ટેન્કરોને હોર્મુઝમાંથી બહાર કાઢે છે, જેથી અમેરિકા મૂંઝવણમાં મુકાઈ જાય અને કોઈ એક જહાજ પર સરળતાથી હુમલો ન કરી શકે. આ ટેન્કરોની સુરક્ષા માટે નાની નૌકાઓમાં ઈરાનની સૈન્ય પાંખ 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ' (IRGC) ના હથિયારબંધ જવાનોને પણ સાથે મોકલવામાં આવે છે.
03. પડોશી દેશો સાથે ગુપ્ત સમજૂતી:
ઓમાનની ખાડીમાંથી બહાર નીકળ્યા બાદ આ ગુપ્ત જહાજો જે જે દેશોની જળસીમા (દરિયાઈ સરહદ) માં પ્રવેશે છે, તે દેશોના પ્રશાસન સાથે ઈરાન અગાઉથી જ ગુપ્ત સંપર્ક સાધીને સેફ પેસેજ મેળવી લે છે.
જોખમ છતાં અબજો ડૉલરની કમાણી
આ ખતરનાક રમત પાછળ ઈરાન બહુ મોટું આર્થિક જોખમ ઉઠાવી રહ્યું છે. અમેરિકાની રડારમાં આવી જવાના કારણે અત્યાર સુધીમાં હોર્મુઝની બહાર ઈરાનના ૨ મોટા તેલ ટેન્કરો અમેરિકી હુમલામાં ધ્વસ્ત પણ થઈ ચૂક્યા છે. આમ છતાં, કમાણી એટલી મોટી છે કે ઈરાન આ નુકસાન વેઠવા તૈયાર છે.
આંકડા દર્શાવે છે કે માત્ર ગયા મહિને જ ઈરાને ૪૫ મિલિયન (૪.૫ કરોડ) બેરલ તેલ વેચ્યું હતું. આ અગાઉ વર્ષ ૨૦૨૫ માં પણ અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધો હોવા છતાં, ઈરાન વિશ્વબજારમાં ૩૧ બિલિયન (૩૧ અબજ) ડૉલર નું તેલ વેચવામાં સફળ રહ્યું હતું. ઈરાનની આ સિસ્ટમે સાબિત કરી દીધું છે કે વૈશ્વિક નાકાબંધી છતાં તેલના બજારને સંપૂર્ણપણે રોકવું અમેરિકા માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.