ઈરાનમાંથી સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સરકાર દ્વારા મહિલાઓના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા દાયકાઓ બાદ હવે મહિલાઓને કાયદેસર રીતે મોટરસાઈકલ ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી સામાજિક અને કાયદાકીય મુંઝવણોમાં અટવાયેલો આ અધિકાર હવે ઈરાની મહિલાઓના હાથમાં આવ્યો છે.
કાયદાકીય મુંઝવણનો આવ્યો અંત
વાસ્તવમાં ઈરાની કાયદામાં મહિલાઓના મોટરસાઈકલ કે સ્કૂટર ચલાવવા પર કોઈ સ્પષ્ટ લેખિત પ્રતિબંધ નહોતો. તેમ છતાં વર્ષોથી તંત્ર દ્વારા મહિલાઓને ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવતું નહોતું. લાયસન્સ વગર વાહન ચલાવવું એ ગુનો હોવાથી મહિલાઓ ઈચ્છવા છતાં ટુ-વ્હીલર ચલાવી શકતી નહોતી. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફ દ્વારા ટ્રાફિક કોડને સ્પષ્ટ કરવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
કેબિનેટનો નિર્ણય
આ પ્રસ્તાવને ઈરાનની કેબિનેટે જાન્યુઆરીના અંતમાં મંજૂરી આપી દીધી હતી, જેનાથી વર્ષોથી ચાલી આવતી કાયદાકીય અસ્પષ્ટતા હવે દૂર થઈ ગઈ છે.
અકસ્માત અને વીમાની સમસ્યામાંથી મળશે મુક્તિ
અત્યાર સુધી ઈરાનમાં સ્થિતિ એવી હતી કે જો કોઈ મહિલા રસ્તા પર મોટરસાઈકલ ચલાવતા અકસ્માતનો ભોગ બને કે ઘાયલ થાય, તો પણ તેને જ દોષિત ઠેરવવામાં આવતી હતી. આનું મુખ્ય કારણ એ હતું કે તેની પાસે સત્તાવાર લાયસન્સ નહોતું. હવે લાયસન્સ મળવાની પ્રક્રિયા શરૂ થતાં મહિલાઓને કાયદાકીય સુરક્ષા મળશે અને અકસ્માત જેવી સ્થિતિમાં તેમને વીમાના દાવા અને કાયદાકીય રક્ષણ મેળવવામાં સરળતા રહેશે.
ટ્રાફિક પોલીસને અપાયા કડક આદેશ
ઈરાની ન્યૂઝ એજન્સી 'ઈલના' (ILNA) ના અહેવાલ મુજબ સરકારના આ નવા પ્રસ્તાવમાં ટ્રાફિક પોલીસ માટે પણ વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે:
પ્રેક્ટિકલ ટ્રેનિંગ: ટ્રાફિક પોલીસે હવે મહિલા અરજદારોને મોટરસાઈકલ ચલાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવાની રહેશે.
પોલીસ દેખરેખમાં પરીક્ષા: લાયસન્સ માટેની તમામ પરીક્ષાઓ પોલીસની સીધી દેખરેખ હેઠળ લેવામાં આવશે.
ફરજિયાત લાયસન્સ: લાયકાત ધરાવતી મહિલાઓને મોટરસાઈકલ લાયસન્સ જારી કરવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઈરાન સરકારનો આ નિર્ણય માત્ર ટ્રાફિક નિયમોમાં ફેરફાર નથી, પરંતુ તે ઈરાની સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકા અને વધતી જતી આઝાદીનું પ્રતીક છે. આ પગલાથી લાખો મહિલાઓને રોજગાર અને દૈનિક અવરજવરમાં મોટી રાહત મળશે.