રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ભોજન, નાસ્તા, પાણીની બોટલ અને ફોટોગ્રાફી સહિતના ખર્ચનો વિવાદ ફરી ગરમાયો છે. સમગ્ર મામલે રચાયેલી છ અધિકારીઓની તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આ રિપોર્ટમાં કેટલાક અધિકારીઓની બેદરકારી કે નાણાકીય અનિયમિતતા અંગે નોંધ કરવામાં આવી હોવાની ચર્ચા વચ્ચે આગામી સપ્તાહમાં સ્ફોટક રિપોર્ટ જાહેર થવાની સાથે ત્રણેક અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.
જંગલેશ્વરમાં સાત મહિના પહેલાં ૧૫ મીટરના ટી.પી. રોડ અને નદીના પટમાં આવેલા ૧૪૦૦થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ માટે કરાયેલા ભોજન-નાસ્તાના ખર્ચનું બિલ રૂ.૨૭ લાખને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. પાણીની બોટલ સહિતની કેટલીક વસ્તુઓ ઊંચા ભાવે ખરીદવામાં આવી હોવાના આક્ષેપો પણ થયા હતા.
ડિમોલિશન બાદ ભોજન, નાસ્તા, પાણી, ફોટોગ્રાફી સહિતના જુદા-જુદા ખર્ચની રૂ.૨૭ લાખથી વધુની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. જોકે, ટેન્ડર પ્રક્રિયાના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું જણાવી નવા શાસકોએ આ દરખાસ્ત નામંજૂર કરી હતી. મોટી રકમના ભોજન ખર્ચ અને ટેન્ડર વિના થયેલી ખરીદી સામે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મેયરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાવવાનો આગ્રહ કર્યો હતો. આ પગલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખાસ તપાસ સમિતિની રચના કરી હતી.
પ્રારંભમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તટસ્થ તપાસ માટે રાજ્ય સરકારના વર્ગ-૧ના અધિકારી અને પીજીવીસીએલના એમ.ડી.ને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઉચ્ચ અધિકારીઓની બદલી થતાં સમિતિના અધ્યક્ષ પણ બદલાયા હતા. હાલ પીજીવીસીએલના એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, આસિ. કમિશનર ભરત કાથરોટિયા, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી અને સિટી ઇજનેર પી.ડી. અઢિયા સહિત છ સભ્યોની સમિતિએ તપાસ પૂર્ણ કરી હોવાનું જાણવા મળે છે.
દરમિયાન સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તપાસ દરમિયાન બિલોની ખરાઈ, ખરીદીના દર, ટેન્ડર પ્રક્રિયા, ખર્ચને મંજૂરી આપવાની સત્તા અને સંબંધિત અધિકારીઓની જવાબદારી સહિતના મુદ્દાઓ ચકાસવામાં આવ્યા છે. રેટ કોન્ટ્રાક્ટ મુજબ થયેલા વાજબી ખર્ચને મંજૂરી મળી શકે છે, જ્યારે નિયમભંગ અથવા બેદરકારી સાથે સંકળાયેલા ખર્ચ માટે જવાબદારી નક્કી થઈ શકે છે.
તપાસમાં બે-ત્રણ અધિકારીઓની ભૂમિકા સામે સવાલ ઊભા થયા હોવાની અને તેઓને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે તેવી ચર્ચા મનપાના વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. જોકે, સત્તાવાર રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી કોઈ અધિકારીને દોષિત ઠેરવવો યોગ્ય ગણાશે નહીં.
તપાસ સમિતિનો સત્તાવાર રિપોર્ટ મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આગળની કાર્યવાહી નક્કી કરશે. કમિશનર રિપોર્ટ જાહેર કરે તો ડિમોલિશન દરમિયાન કેટલા લોકો માટે અને કેટલા દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, ખરીદી કયા ભાવે થઈ હતી અને ટેન્ડર વિના ખર્ચ કરવાની જવાબદારી કોની હતી તે સહિતની હકીકતો સામે આવી શકે છે.
તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, બેદરકારી, બદઇરાદો કે નાણાકીય અનિયમિતતા જણાશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે. બીજી તરફ, નિયમ મુજબ થયેલા ખર્ચ અંગે પણ રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવે તેવી અપેક્ષા છે. હવે કમિશનર આ રિપોર્ટ ક્યારે જાહેર કરે છે અને જવાબદારો સામે કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર છે.