મિત્રો સાથે હરવા-ફરવાની, ચા-કોફી પીવાની કે બહાર જમવા જવાની મજા જ કંઈક અલગ હોય છે. પણ આ મજા ત્યારે સજા બની જાય છે જ્યારે ટેબલ પર બિલ આવે છે. ઘણીવાર ગ્રુપમાં એકાદ મિત્ર એવો હોય જ છે જે હસીને કહી દેશે- "ભાઈ, અત્યારે નેટ નથી ચાલતું" અથવા "યાર, આજે પૈસા નથી, તું આપી દે હું કાલે આપી દઈશ." ઈતિહાસ સાક્ષી છે કે આવા 'કાલે' આપનારા મિત્રો ઘણીવાર પૈસા પાછા આપવામાં વર્ષો વીતાવી દે છે. નાના અમથા પૈસા માટે વારંવાર માંગવામાં આપણને શરમ આવે છે અને મનમાં ડર રહે છે કે ક્યાંક મિત્રતા ન બગડી જાય. જો તમે પણ આવી સ્થિતિમાં હોવ, તો હવે ચિંતા છોડો. ટેકનોલોજી અને કાયદો તમારી મદદે તૈયાર છે.
ડિજિટલ 'મુનીમ': UPI એપનું 'Split Bill' ફીચર
Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સ હવે માત્ર પેમેન્ટ કરવા માટે નથી, પણ તમારા પૈસાની વસૂલાત કરવા માટે પણ સક્ષમ છે. આ એપ્સમાં ‘Split Bill’ અથવા ‘Split Expense’ નામનું એક શાનદાર ફીચર છે.
કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે કોઈ ગ્રુપ વતી પેમેન્ટ કરો છો, ત્યારે એપ તમને બિલ વહેંચવાનો વિકલ્પ આપે છે. તમારે ફક્ત તે મિત્રોના નામ સિલેક્ટ કરવાના છે જેમણે પૈસા આપવાના છે.
ફાયદો
એપ પોતાની મેળે હિસાબ કરીને દરેક મિત્રને નોટિફિકેશન મોકલી દેશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે રીમાઇન્ડર તમે નહીં પણ એપ મોકલી રહી છે. સામેવાળાને સતત નોટિફિકેશન મળશે કે "ભાઈ, પેમેન્ટ બાકી છે", જેનાથી તમારે મોઢેથી માંગવાની શરમ નહીં રહે.
મોટી રકમ ફસાઈ હોય તો શું કરવું? કાયદાકીય રસ્તો
જો તમે મિત્રને મોટી રકમ ઉધાર આપી હોય અને હવે તે ફોન ઉપાડવાનું બંધ કરી દે અથવા પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દે, તો સંકોચ રાખ્યા વગર કાયદાકીય પગલાં ભરો.
| પગલું | પ્રક્રિયા | અસર |
| લીગલ નોટિસ | વકીલ દ્વારા સત્તાવાર નોટિસ મોકલો. | પોલીસ કે કોર્ટના ડરથી મોટાભાગના લોકો આ સ્ટેજ પર જ પૈસા પાછા આપી દે છે. |
| સિવિલ સૂટ (Order 37) | જો તમારી પાસે લેખિત પુરાવો કે ચેટ હોય, તો સિવિલ પ્રોસીજર કોડ હેઠળ કેસ કરો. | આ એક 'સમરી સૂટ' છે જે સામાન્ય કેસ કરતા વધુ ઝડપથી ચાલે છે. આરોપીએ ૧૦ દિવસમાં જવાબ આપવો પડે છે. |
| ફોજદારી કેસ (IPC 420) | જો છેતરપિંડી થઈ હોય, તો ધારા ૪૨૦ અને ૪૦૬ હેઠળ કેસ થઈ શકે છે. | જો દોષિત સાબિત થાય તો જેલ જવાની પણ જોગવાઈ છે. |
વસૂલાત માટેની 'સ્માર્ટ' ટિપ્સ
પુરાવા સાચવો:
તમે પૈસા આપ્યા હોય તેવા UPI ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ અથવા WhatsApp ચેટ હંમેશા સાચવી રાખો.
ડાયરેક્ટ માંગવાને બદલે રિક્વેસ્ટ મોકલો:
ગૂગલ પે પર 'Request Money' નું બટન દબાવવું એ ફોન કરીને પૈસા માંગવા કરતા વધુ સરળ અને ઓછું અકળામણભર્યું છે.
ચોખ્ખી વાત:
જો મિત્રતા બચાવવી હોય તો શરૂઆતમાં જ સ્પષ્ટ કહો કે, "ભાઈ, મારે પણ અત્યારે પૈસાની જરૂર છે, એટલે પેલા જૂના પૈસા ક્લિયર કરી દે તો સારું."