મોટાભાગના લોકો એકવાર રાઉટર ખરીદ્યા પછી જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થઈ જાય ત્યાં સુધી તેને બદલતા નથી. પરંતુ નિષ્ણાતોના મતે, ઇન્ટરનેટનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે દર 3 થી 5 વર્ષે રાઉટર બદલવું હિતાવહ છે. સમયની સાથે રાઉટરનું હાર્ડવેર અને સોફ્ટવેર બંને જૂના થઈ જાય છે, જેની સીધી અસર પરફોર્મન્સ પર પડે છે.
જૂનું રાઉટર કેમ ઘટાડે છે ઇન્ટરનેટની સ્પીડ?
તમે ભલે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પ્લાન લીધો હોય, પણ જો તમારું રાઉટર જૂનું હશે તો તે પૂરી સ્પીડ આપી શકશે નહીં. જૂના રાઉટર Wi-Fi 4 કે Wi-Fi 5 જેવા જૂના સ્ટાન્ડર્ડ પર કામ કરે છે. જ્યારે નવા રાઉટર Wi-Fi 6 જેવી એડવાન્સ ટેકનોલોજી સાથે આવે છે, જે વધુ ઝડપી અને સ્ટેબલ કનેક્શન આપે છે. જૂના રાઉટરને કારણે વીડિયો કોલિંગમાં લેગ આવવો, ગેમિંગમાં મુશ્કેલી અને મોટા ડેટા ડાઉનલોડ કરવામાં વધુ સમય લાગવો જેવી સમસ્યાઓ સર્જાય છે.
સુરક્ષાના દૃષ્ટિકોણથી મોટું જોખમ
જૂના રાઉટરમાં સૌથી મોટું જોખમ સાયબર સુરક્ષાનું રહેલું છે. કંપનીઓ અમુક સમય પછી જૂના મોડલ્સ માટે સિક્યોરિટી અપડેટ્સ આપવાનું બંધ કરી દે છે. આનાથી હેકર્સ માટે તમારા નેટવર્કને ટાર્ગેટ કરવું સરળ બની જાય છે. તમારા પર્સનલ પાસવર્ડ અને બેંકિંગ વિગતો ચોરી થવાનું જોખમ વધી જાય છે. નવા રાઉટર્સમાં WPA3 જેવી આધુનિક સુરક્ષા સિસ્ટમ હોય છે, જે હેકિંગ સામે વધુ રક્ષણ આપે છે.
રેન્જ અને મલ્ટિ-ડિવાઈસ સપોર્ટમાં નબળાઈ
સમય જતાં રાઉટરના આંતરિક સ્પેરપાર્ટ્સ અને એન્ટેના નબળા પડે છે, જેનાથી સિગ્નલની તાકાત ઘટે છે. ઘરના બીજા રૂમમાં જતાં જ વાઇફાઇ પકડાવું બંધ થઈ જાય અથવા સ્પીડ સાવ ઓછી થઈ જાય તે જૂના રાઉટરની નિશાની છે. આજના સમયમાં સ્માર્ટ ટીવી, ફોન, લેપટોપ અને સ્માર્ટ હોમ ગેજેટ્સ એકસાથે જોડાયેલા હોય છે. જૂના રાઉટર આટલા બધા ડિવાઈસનો લોડ સહન કરી શકતા નથી. નવા રાઉટર્સ MU-MIMO ટેકનોલોજી સાથે આવે છે, જે એકસાથે અનેક ડિવાઈસને હાઈ-સ્પીડ ડેટા પૂરો પાડે છે.
જો તમે પણ સ્લો ઇન્ટરનેટથી પરેશાન છો, તો એકવાર તમારા રાઉટરની ખરીદીનું વર્ષ ચેક કરી લો. નવું રાઉટર વસાવવું એ માત્ર મોજશોખ નહીં, પણ ડિજિટલ સુરક્ષા અને સ્મૂધ કામકાજ માટેની જરૂરિયાત છે.