ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, કારણ કે યુવા ઓપનર અભિષેક શર્મા પ્રથમ ઓવરના છેલ્લા બોલે શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. ભારત પર દબાણ વધ્યું હતું, પરંતુ ઈશાન કિશને કાંઈક અલગ જ પ્લાન બનાવ્યો હતો.
શાહીન આફ્રિદીની એક જ ઓવરમાં 15 રન
પારીની બીજી ઓવર લઈને આવેલા પાકિસ્તાનના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને ઈશાન કિશને નિશાન બનાવ્યો હતો. ઈશાન કિશને આ ઓવરના પ્રથમ બોલે જ સ્ક્વેર લેગ પર ભવ્ય સિક્સર ફટકારીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા હતા. બીજા બોલે તેણે આકર્ષક ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં ઈશાન અને તિલક વર્માએ મળીને કુલ 15 રન લૂંટ્યા હતા, જેણે પાકિસ્તાની કેમ્પમાં ચિંતા વધારી દીધી હતી.
27 બોલમાં ઐતિહાસિક અડધી સદી
ઈશાન કિશને માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની કારકિર્દીની સૌથી યાદગાર ઈનિંગ્સમાંની એક સાબિત થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 મેચોના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ઈશાન હવે ત્રીજા સ્થાને આવી ગયો છે.
આ યાદીમાં મોહમ્મદ હફીઝ 23 બોલ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે અભિષેક શર્માએ 2025માં દુબઈમાં 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઈશાને હવે 27 બોલ સાથે યુવરાજ સિંહ (29 બોલ, 2012) ના રેકોર્ડને તોડી નાખ્યો છે.
ઈજાનું સંકટ અને ફિઝિયોની એન્ટ્રી
પોતાની ઈનિંગ દરમિયાન ઈશાન કિશન અત્યંત આક્રમક મૂડમાં જણાતો હતો, પરંતુ 8મી ઓવર પૂરી થયા બાદ તેને શારીરિક તકલીફ જણાઈ હતી. મેદાન પર ફિઝિયોને બોલાવવાની ફરજ પડી હતી. જોકે, ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે આ ઈજા ગંભીર ન હોય અને ઈશાન પોતાની આ તોફાની ઈનિંગને મોટી સદીમાં ફેરવી શકે.
ભારત-પાકિસ્તાન T20I મેચોમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
82* રન: વિરાટ કોહલી, મેલબોર્ન 2022
79* રન: મોહમ્મદ રિઝવાન, દુબઈ 2021
78* રન: વિરાટ કોહલી, કોલંબો 2012
77* રન: ઇશાન કિશન, કોલંબો 2026
75* રન: ગૌતમ ગંભીર, જોહાનિસબર્ગ 2007
અયુબે બોલ્ડ કર્યો
સેમ અયુબે ઇશાન કિશનની ઇનિંગનો અંત લાવ્યો, તેને નવમા ઓવરના ચોથા બોલ પર બોલ્ડ કર્યો. ઇશાને 40 બોલનો સામનો કર્યો અને 77 રન બનાવ્યા. ભારતીય ઓપનરે 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. ઇશાન અને તિલક વચ્ચે બીજી વિકેટ માટે 46 બોલમાં 87 રનની ભાગીદારી થઈ. આ ઇશાનની ટુર્નામેન્ટની બીજી અડધી સદી હતી. અગાઉ, તેણે નામિબિયા સામે 61 રન બનાવ્યા હતા.