દુબઈની એરલાઈન 'ફ્લાયદુબઈ' સાથે બનેલી એક ગંભીર ઘટના બાદ ઇઝરાયલ સરકારે સુરક્ષાના કારણોસર અત્યંત કડક પગલું ભર્યું છે. ઇઝરાયલના નવા નિયમોનું પાલન કરતા એર ફ્રાન્સ સહિતની આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના ફ્લાઈટ ક્રૂ સભ્યો પર ઇઝરાયલ માટેની ફ્લાઈટ્સ ઓપરેટ કરવા પર રોક લગાવી દીધી છે. એર ફ્રાન્સે સત્તાવાર પુષ્ટિ કરી છે કે તે ઇઝરાયલના નવા એન્ટ્રી નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી રહી છે, જેના હેઠળ ચોક્કસ દેશોના કર્મચારીઓને ઇઝરાયલ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી.
ઇઝરાયલની આ નવી નીતિની સીધી અસર કુલ 31 દેશોના નાગરિકો પર પડી રહી છે, જેમાંના મોટાભાગના મુસ્લિમ બહુમતીવાળા દેશો છે. આ યાદીમાં પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા, અલ્જીરિયા અને ટ્યુનિશિયા જેવા દેશો મુખ્યરૂપે સામેલ છે. અગ્રણી સમાચાર સંસ્થા અલ જઝીરાના અહેવાલ મુજબ, એર ફ્રાન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તમામ એરલાઈન્સની જેમ તેને પણ જે તે દેશોના સ્થાનિક અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલા સુરક્ષા નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે, ભલે તે નિયમો ગ્રાહકો માટે હોય કે કંપનીના સ્ટાફ માટે. એરલાઈને સ્પષ્ટ કર્યું છે કે તેલ અવીવ જતી ફ્લાઈટ્સ માટે ઇઝરાયલી અધિકારીઓ દ્વારા લાગુ કરાયેલા નવા નિર્દેશો અંગે સંબંધિત સ્ટાફને પહેલેથી જ માહિતગાર કરી દેવામાં આવ્યા છે.
ઇઝરાયલી બ્રોડકાસ્ટર એન12 (N12) ના અહેવાલ અનુસાર, ફ્લાયદુબઈની ઘટના બાદ ઇઝરાયલના પરિવહન અને માર્ગ સુરક્ષા મંત્રાલય દ્વારા 1 ઓક્ટોબરના રોજ તમામ વિદેશી એરલાઈન્સે એક સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો હતો. મંત્રાલયે સૂચિત કર્યું છે કે ઇઝરાયલી હવાઈ ક્ષેત્રમાં ફ્લાઈટ ઉડાડતા કોઈપણ પાયલટ કે કેબિન ક્રૂ પાસે એવા દેશોની નાગરિકતા કે ડ્યુઅલ સિટીઝનશિપ હોવી જોઈએ નહીં, જેના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ન હોય. આ આદેશમાં સામેલ 31 દેશોમાં પાકિસ્તાન, ઓમાન અને નાઈજર જેવા દેશો પણ છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે આ સખત પગલું ઓમાની પાયલટ દ્વારા ફ્લાઈટ હાઈજેક કરવાના પ્રયાસની ઘટના બાદ ઉઠાવ્યું છે. તે સમયે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર દ્વારા પોતાની સૂઝબૂઝથી તે ફ્લાઈટને મોટી દુર્ઘટનામાંથી બચાવી લેવામાં આવી હતી. આ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને ઇઝરાયલ દ્વારા વિદેશી એરલાઈન્સના સ્ટાફની બાબતમાં આ કડક નિયમો ઘડવામાં આવ્યા છે.