રાજકોટ જિલ્લા પંચાયતમાં વિકાસનાં કામો, બિલોની ચૂકવણી અને ચૂંટાયેલા સભ્યને મળતી સુવિધાઓને લઈને વિવાદ વકર્યો છે. જિલ્લા પંચાયતના મહિલા વિપક્ષી સભ્યએ ચેમ્બર ફાળવણીથી લઈને વિકાસકામોનાં બિલોની વિગતો અને બાકી ચૂકવણીના હિસાબ સુધીના મુદ્દે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં ચૂંટાયેલા સભ્યોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.જાણવા મળતી માહિતી અનુસાર, જિલ્લા પંચાયતમાં ચેમ્બર ફાળવવા માટે અગાઉ બે વખત લેખિત અરજીઓ કરવામાં આવી હતી. ચારથી પાંચ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં રજૂઆતનો ઉકેલ આવ્યો નથી. વર્ષ ૨૦૧૬માં બે બેઠકો જ ભાજપની હોવા છતાં ચૂંટાયેલા સભ્યોને ચેમ્બર ફાળવવામાં આવી હતી. ત્યારે હવે અન્ય સભ્યને ચેમ્બર ફાળવવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે તેવો સવાલ ઊઠ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ચેમ્બર ફાળવણી અંગે કોઈ જવાબ મળતો નથી. જો આગામી બે-ત્રણ દિવસમાં જવાબ નહીં મળે તો અન્ય પદાધિકારીઓની ચેમ્બર પણ બંધ કરાવવાની અને ગાંધીચીંધ્યા માર્ગે ધરણાં કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ, વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ ચૂંટાયેલા સભ્યોને વિવિધ કામો અંગે વારંવાર રજૂઆત કરવી પડે છે. સ્થળાંતર ભથ્થાની તપાસ પણ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી અને આ દરમિયાન સત્તાધીશોમાં પણ ફેરફાર થયા છે. ગત સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. શાસકો દ્વારા ૧૫ દિવસમાં ઇન્કવાયરી રિપોર્ટ આપવાની બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ ૧૮ દિવસ વીતી જવા છતાં રિપોર્ટ મળ્યો નથી. હવે તમામ બિલ-ચૂકવણીના હિસાબ સહિતનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને કરાયેલી રજૂઆતમાં નવા જિલ્લા પંચાયત બિલ્ડિંગની કામગીરીની નિર્ધારિત સમયમર્યાદા અને અધૂરાં કામો અંગે પણ જવાબ માગવામાં આવ્યો છે. આમ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યની રજૂઆતોનો સમયસર નિકાલ ન થતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.