BREAKING NEWS

રાજકોટની ગેંગે વુધ બે વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યાનું ખુલ્યું

  • December 13, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જામકંડોરણા વિસ્તારના રહેતા વેપારીને રાજકોટની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 7.50 લાખ પડાવી લીધા હતા. પોલીસે બે મહિલા સહિત સાત શખસોને ઝડપી તેની પાસેથી કાર, રોકડ સહિત 1.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની પૂછતાછમાં આ ટોળકીએ અન્ય બે વેપારીઓને પણ શિકાર બનાવ્યાનું સામે આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ ટોળકી સામે વધુ ફરિયાદ થવાની શંકા સેવાઇ રહી છે.

જામકંડોરણા વિસ્તારમાં રહેતા વેપારીને મોબાઇલમાં મેસેજ કરી મહિલાએ મળવા બોલાવ્યા બાદ તેના સાગરીતોએ અહીં ધસી આવી વેપારીને ખોટા કેસમાં ફીટ કરી લેવાની ધમકી આપી રૂપિયા 7.50 લાખની લૂંટ ચલાવી હતી. હનીટ્રેપના આ બનાવને લઇ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને એએસપી સિમરન ભારદ્વાજની સૂચનાના પગલે જામકંડોરણા પોલીસ મથકના પીઆઇ આર.બી.વાધીયાની રાહબરીમાં એસ.ઓ.જી.પી.એસ.આઇ પી.બી.મિશ્ર અને ધોરાજી તાલુકાના પીએસઆઇ પી.એન. ત્રિવેદીની અલગ-અલગ ટીમો બનાવી વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર રાજકોટની આ ટોળકીને ઝડપી લીધી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં વિપુલ જેઠાભાઈ સુસરા (ઉ.વ.38), સવજી ઉર્ફે સાગર રામજીભાઈ ઠુંગા (ઉ.વ. 25 રહે. બંને ખોડીયારપરા શેરી નંબર 16), વિશાલ ભીખાભાઈ પરમાર (ઉ.વ. 30 રહે. માનસરોવર-૨, આજીડેમ ચોકડી પાસે), વિજય સિંધાભાઈ જોગડીયા (ઉ.વ. 30 રહે. બેડી ગામ) પૂજા સિદ્ધપુરા (ઉ.વ. 30) તેનો પતિ ગોપાલ ગીરધરભાઈ સિધ્ધપુરા (ઉ.વ. 30 રહે. બંને બેડી ગામ) અને જાનવી મિલનભાઈ પંચોલી (ઉ.વ.25 રહે. શ્યામનગર શેરી નંબર ત્રણ, રામાપીર ચોકડી પાસે) નો સમાવેશ થાય છે. પોલીસે ટોળકી પાસેથી ગુનામાં વપરાયેલ બે બાઈક કાર, 7 મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ટોળકીમાં અન્ય એક મહિલા પણ સામેલ હોવાની શંકા છે જેથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

હાલ રિમાન્ડ પર રહેલા આ આરોપીઓની પૂછતાછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, આ ટોળકીએ જામકંડોરણાના વેપારી ઉપરાંત અન્ય બે વેપારીઓને પણ શિકાર બનાવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટની આ ટોળકી સામે વધુ ફરિયાદો દાખલ થવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. પોલીસે પણ આ ટોળકીનો ભોગ બનનારને આગળ આવવા અનુરોધ કર્યો છે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવી પણ પોલીસે ખાતરી આપી છે.



ધમકી બાદ પણ તાબે ન થાય તો અપહરણ કરી ગોંધી રાખતા

પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકી સોશિયલ મીડિયા મારફત 40 થી 60 વર્ષની વયના પુરુષોને શોધી તેમને શિકાર બનાવતી હતી. તેઓ ભોગ બનનારને ખોટા કેસમાં ફીટ કરવાની, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મારકૂટ કરતા હતા. આમ છતાં જો તાબે ન થાય તો મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી ગાંધી પણ રાખતા હતા.


પૂજા મેસેજમાં વાત કરતી અને જાનવી મળવા જતી

પોલીસે જણાવ્યું હતું કે હનીટ્રેપના આ ગુનામાં ઝડપાયેલા આરોપી પૈકી પૂજા વેપારી સાથે ફોનમાં વાત કરતી હતી જયારે તેને મળવાનું નક્કી થયા બાદ જાનવી તેને મળવા જતી હતી. આ ટોળકીમાં અન્ય પણ એક મહિલા સામેલ હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી વિપુલ સામે રાજકોટમાં દારૂ, બળજબરીથી પૈસા પડાવવા સહિતના ત્રણ ગુના નોંધાઇ ચૂકયા છે. જયારે આરોપી સવજી અને વિશાલ સામે એક-એક ગુનો, જાનવી સામે જૂનાગઢના ભેંસાણમાં હનીટ્રેપનો ગુનો નોંધાઇ ચૂકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News