BREAKING NEWS

જૂની કલેક્ટર, મામલતદાર કચેરીઓ ખાતે સ્ટેમ્પ પેપરની સુવિધા ઊભી કરવી જરૂરી

  • August 10, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની જૂની કલેક્ટર કચેરી તેમજ દક્ષિણ મામલતદાર અને પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે હાલ ભારતીય નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર મેળવવાની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે વકીલો તથા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડરને જગ્યા ફાળવી સ્ટેમ્પ પેપરની સુવિધા ઉપલબ્ધ કરાવવા આશરે ૨૦૦ જેટલા વકીલો વતી એડવોકેટ ઝાકીર આગરીયાએ રાજકોટ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, સ્ટેમ્પ પેપરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય ત્યારે વકીલો અને અરજદારોએ સ્ટેમ્પ પેપર મેળવવા માટે દૂર સુધી જવું પડે છે. જેના કારણે તેઓએ પોતાના કામકાજ છોડીને સ્ટેમ્પ પેપર માટે દોડધામ કરવી પડે છે. ખાસ કરીને જૂની કલેક્ટર કચેરી પર ફેમિલી કોર્ટ, ડેપ્યુટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને નજીકમાં સબ-રજિસ્ટ્રાર કચેરી આવેલી હોવાથી અહીં સ્ટેમ્પ પેપરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો અનેક લોકોને સીધો લાભ મળી શકે છે. વિવિધ સરકારી કચેરીઓમાં દસ્તાવેજો બનાવવા, સોગંદનામા કરવા, ખૂટતી સ્ટેમ્પની રકમ ભરવા તેમજ વિવિધ દાખલા મેળવવા માટે સ્ટેમ્પ પેપરની જરૂરિયાત રહેતી હોય છે. દક્ષિણ અને પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે પણ વિવિધ દાખલા તથા સોગંદનામા માટે સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોવાની રજૂઆતમાં નોંધ કરવામાં આવી છે. આથી જૂની કલેક્ટર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડરને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તો વકીલો તથા અરજદારોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. રાજકોટની જનતાને સરળ અને સીધી સુવિધા મળી રહે તે માટે કલેક્ટર દ્વારા આ બાબતે વહેલી તકે નિર્ણય લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ એડવોકેટ ઝાકીર આગરીયાએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application