BREAKING NEWS

વિધાનસભામાં ગુંજ્યો વિસાવદરનો અવાજ, ઈટાલિયાએ ખેડૂત સહાય મુદ્દે સરકારને ઘેરી

  • February 24, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાનસભામાં પૂરક બજેટ પરની ચર્ચા દરમિયાન વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આક્રમક તેવર બતાવી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્યત્વે ખેડૂતોને મળતી સહાય, જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકશાહીના મૂલ્યોના થઈ રહેલા કથિત હનન અંગે રજૂઆતો કરી હતી.



ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે વિસાવદરના હસનાપુર જેવા આખા ગામ અને અનેક ખેડૂતો હજુ પણ માવઠાની સહાયથી વંચિત છે. ઓનલાઈન પોર્ટલમાં ખોટા આંકડાઓ દર્શાવવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, રૂપાણી સરકારની 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના' જેમાં 100% વળતરની જોગવાઈ હતી, તેને અભરાઈએ ચડાવી સરકાર માત્ર 'પેકેજ' (પડીકા) જાહેર કરીને વાહવાહી લૂંટી રહી છે. ખાસ કરીને ભાગે ખેતી કરતા ખેડૂતોને કોઈ વળતર ન મળતું હોવાનો મુદ્દો તેમણે ભારપૂર્વક ઉઠાવ્યો હતો.



બરડીયા ગામના સરકારી દવાખાનામાં બાંધકામની ગંભીર ખામીઓ અને ટોયલેટના નળ-દરવાજાની વિચિત્ર ડિઝાઈન બાબતે કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે, એક તરફ સરકાર 'વિશ્વગુરુ' બનવાની વાતો કરે છે અને બીજી તરફ પાયાની સુવિધાઓમાં આવી બેદરકારી જોવા મળે છે. વધુમાં, વિસાવદરના ૧૦ જેટલા ગામોમાં જર્જરિત પાણીની ટાંકીઓ તોડવા માટેની વારંવારની રજૂઆતો છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.



સરકારના નવા પરિપત્ર મુજબ હવે વિપક્ષના આક્ષેપોનો જવાબ મંત્રીઓના બદલે નોડલ ઓફિસર (સચિવો) આપશે, તે બાબતને ઈટાલિયાએ લોકશાહી માટે ખતરનાક ગણાવી હતી. તેમણે કહ્યું કે, "જો અધિકારીઓ જ જવાબ આપી શકતા હોત તો અમારે પ્રશ્નો વિધાનસભા સુધી લાવવાની જરૂર જ ન પડત. મંત્રીઓ પોતાની જવાબદારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application