ગુજરાતના નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટ અને મોરબી જિલ્લાનો સંયુક્ત અભિવાદન સમારોહ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયો છે. જગદીશ વિશ્વકર્મા આવી પહોંચતા જ તેમનું ભાજપના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશ્રી રામના નારા ગુંજી ઉઠતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું, મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકરો અને લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા છે.
બાઈકરેલીની આગેવાનીમાં પ્રદેશ પ્રમુખને રેસકોર્સ સુધી લઈ આવ્યા
જગીદશ વિશ્વકર્મા હીરાસર એરપોર્ટથી સીધા કુવાડવા બોમ્બે સુપર સીડ્સ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમનું ઢોલ-નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં 400 કારના કાફલા સાથે ગ્રીનલેન્ડ ચોકડી સુધી રેલી યોજાઈ હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી મોટી સંખ્યામાં બાઈક અને કાર સાથે રેલી રેસકોર્સ પહોંચી હતી.
20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો સભામાં ઉપસ્થિત
રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રેસકોર્સ મેદાન ખાતે જગદીશ વિશ્વકર્માની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોઈ બુકે કે ફૂલ ભેટ સ્વીકારવામાં આવતા નથી અને એના સ્થાને તેઓ ચોપડા અને બુક સ્વીકાર કરે છે, જે પછી આ ભેટ તેઓ જે-તે જિલ્લાનાં બાળકોને આપવા માટે જ નિર્ણય કર્યો છે.