ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામ ૪૪ બેઠકો ઉપર વિજય મેળવી વિપક્ષનો સતત બીજી ચુંટણીમાં સફાયો કરી વિજય હાંસલ કર્યો હોય કોલેજ ચોક ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ તેમનાં અસલી દબંગ અંદાજમાં વિરોધીઓને લલકાર કરી જણાવ્યું કે શેખચલ્લીનાં સપના જોવાનું બધં કરો. મર્દ બની સામે આવો.
મને ગોંડલને સમજતા દસ વર્ષ લાગ્યા
તેમણે આપના જીગીશા પટેલને નામ લીધા વગર આડે હાથ લઈ કહ્યું કે તમે હજુ આઠ મહિનાથી આવ્યાં છો અને ગોંડલની ચિંતા કરવાનું શરૂ કર્યું. મને ગોંડલને સમજતા દસ વર્ષ લાગ્યા છે. ગોંડલની પ્રજાએ તમને બેય ગાલે તમાચા માર્યા છે. ગોંડલને મિરઝાપુર કહી બદનામ કરવાનુ બધં કરો. આ ગામ ઉર્જાપુર છે. પાછા વળવાંમાં ગોંડલની પ્રજા તમને રસ્તો પણ ભુલાવી દેશે.
લોકોનાં દિલ જીતજો
તેમણે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોને શીખ આપતા કહ્યું કે, લોકોનાં મતથી ચુંટાયા છો. તો લોકોનાં દિલ જીતજો. ચુંટાયા પછી તમારી જવાબદારી વધી છે. દિવસ-રાત લોકોની વચ્ચે અને તેમની સાથે રહેજો. વિજય વિશ્વાસ સભાને ભાજપના પીઢ આગેવાન કનકસિંહ જાડેજા, મનસુખ સખીયા, પ્રફુલ ટોળીયા, મુસ્લિમ અગ્રણી ફતા નુરસુમાર, ગણેશ, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ સંબોધન કર્યું હતું