જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ ૨૦૨૩ માં વીજ ચેકીંગ ટુકડીએ રૂ.૨૧.૪૪ લાખની વીજ ચોરી પકડી પાડયા બાદ તે અંગે નોંધાયેલી ફોજદારી ફરિયાદનો કેસ જામનગરની વીજચોરીના કેસોની ખાસ અદાલતમાં ચાલી જતાં અદાલતે સંકુલના સંચાલકને વીજચોરીની રકમનો ત્રણ ગણો એટલે કે રૂ.૬૬.૩૨ લાખનો દંડ એક મહીનામાં ભરવા હુકમ કર્યો છે. જો આ દંડની રકમ એક મહીનામાં ન ભરાય તો એક વર્ષની જેલ સજાનો આદેશ પણ કરાયો છે.
માતબર રકમની વીજચોરીના આ કેસની વિગત એવી છે કે, ગતા તા.૨૭/૧૨/૨૦૨૩ ના રોજ વીજ ચેકિંગ અધિકારી આર.એસ વડનગરા અને ટીમે જામજોધપુર વેસ્ટ સબ ડિવિઝનના સતાપર ગામમાં આવેલી હેરમા એકેડમી સંકુલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન સંચાલક જયદીપસિંહ રામજીભાઈ હેરમાની ઉપસ્થિતિમાં થયેલી ફોટો ગ્રાફી સાથેની કાર્યવાહીમાં મીટરને બાયપાસ કરીને વાયર દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી પાવર લઈને રૂ.૨૧,૪૪,૨૫૬ની માતબર રકમની વીજચોરી પકડાઈ હતી.આથી ચેકિંગ ટુકડીએ રોજકામ કર્યું હતું. આ અંગે જામજોધપુર સબ ડિવિઝનના નાયબ ઈજનેર અમિત અધેરાએ જીયુવીએનએલ પોલીસ મથકમાં જયદીપસિંહ હેરમા સામે ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ જામનગરની સેસન્સ કક્ષાની ખાસ વીજ અદાલતમાં ચાલી જતાં, અદાલતે ૭ સાક્ષી અને ૧૭ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા. આ કેસમાંં સરકારી વકીલ રાજેશભાઈ વશીયરે રજૂઆત કરી હતી કે, આરોપીની હાજરીમાં રેકર્ડ ઉપર છે. હાલ ગુજરાતના વીજ ચોરીના કેસ વધતાં વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થઈ છે. ફોટોગ્રાફી થઈ છે, તેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવામાં આવે. અદાલતે બંને પક્ષની રજૂઆતો ઘ્યાને લીધા બાદ સતાપરના હેરમા એકેડમી સંકુલના સંચાલકને વીજચોરીની રકમના ત્રણ ગણો એટલે કે, રૂ.૬૬,૩૨,૭૭૯ નો દંડ કરતો હુકમ કર્યો હતો. અને જો સંચાલક દ્વારા જો દંડની રકમના નાણાં એક મહિનામાં ભરપાઈ ન થાય તો એક વર્ષની જેલ સજા ભોગવવા હુકમમાં જણાવ્યું છે.