BREAKING NEWS

જામનગરમાં અડધી રાત્રે દેકારા સાથે બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકીનો વિડીઓ વાયરલ થયા બાદ પોલીસ તંત્રએ તુરતજ હરકતમાં આવી તમામને શોધી કાઢ્યા

  • February 06, 2026 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક રીક્ષા, બુલેટ, સ્કૂટર સહિત ૧૩ વાહનો સાથે નીકળેલી ટોળકીના પાંચ ટાબરિયા સહિતના ૨૪ સભ્યોને પોલીસે શોધી કાઢ્યા: ૧૩ વાહનો કબજે

 સીટી એ. ડિવિઝન પોલીસે નેત્રમની ટીમની મદદથી તમામને શોધી કાઢી પોલીસ મથકે બોલાવ્યા: ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરે તેવી સર્વેની કબુલાત

 જામનગરમાં પરમદીને મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ધૂમ ગેંગ સક્રીય થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું હતું, અને રાત્રે ૧ વાગ્યા પછી કેટલાક શખ્સો ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા તથા દેકારો બોલાવતા વિવિધ રસ્તાઓ પરથી પસાર થયા હતા, અને શહેરીજનોને ભયમાં મૂકાયા હતાં. 

    પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક વગેરે વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર નીકળેલી ટોળકી ચિચિયારી પાડતો અને બેફામ ડ્રાઇવિંગ કરી ને સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા હોય તે પ્રકારના વિડીયો શહેર ભરમાં વાયરલ થયો હતો, જેની પોલીસ તંત્રએ તુરતજ નોંધ લીધી હતી. 

સૌપ્રથમ જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ (નેત્રમ) ની ટીમ હરકતમાં આવી ગઈ હતી, અને પીએસઆઇ બી.બી. સિંગલ અને તેઓની ટીમ દ્વારા બેડીગેઇટ થી લઈને હવાઈ ચોક સુધીના અલગ અલગ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ મેળવ્યા હતા, અને તેમાંથી પસાર થનારા વાહન ચાલકોના નંબરો તથા વાહનોની ઓળખ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો.

 જે અંગેના ફૂટેજ અને વાહનો ના નંબર સાથેની તમામ વિગતો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધી હતી.

 જે તમામ વિગતો એકત્ર કરીને સમગ્ર ગેંગ ને પકડવા માટે સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા અને તેઓની ટીમ પણ હરકતમાં આવી ગઈ હતી, અને સીસીટીવી કેમેરામાં દેખાયેલા તમામ વાહનોને શોધી કાઢવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરી ના સમયગાળામાજ સમગ્ર ટોળકીને શોધી કાઢી પોલીસ મથકે બોલાવી લેવામાં આવ્યા હતા.

પોલીસની તપાસ દરમિયાન ૩ ટાબરીયા સહિત ૧૩ વ્યક્તિ વાહન ચલાવતા હતા, જ્યારે બે ટાબરીયા સહિત ૧૩ શખ્સો વાહનની પાછળ બેઠેલા હતા, અને પોલીસ દ્વારા કુલ પાંચ ટાબરિયા સહિત ૨૪ વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી હતી. વાહનોની તપાસ દરમિયાન એક ઓટો રીક્ષા, ઉપરાંત બે મોટરસાયકલ, એક બુલેટ મોટરસાયકલ, તેમજ એકટીવા સ્કૂટર અને એક્સેસ સ્કૂટર સહિત કુલ ૧૩ વાહનો પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યા હતા અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે જમા કરાવી દેવાયા છે.

 પોલીસે બેફામ ગતીએ વાહન ચલાવનારા રિયાઝ અનવરભાઈ ગંઢાર, મોઇન રફીકભાઈ સમા, નાસીર અયુબ કકલ, જાકિર હુસેન ગજીયા, આફતાબ અમિનભાઈ સુમરાઝ, રિયાઝ ફિરોજભાઈ સમા, શહેજાદ તલ્હારભાઈ સુધાધૂનિયા, ઝાકીર હુસેન રજાકભાઈ સંઘાર, નવાજ હનીફ ભાઈ જામ અને સમીર અલી ભાઈ સંઘાર નામના વાહન ચાલકો તેમજ ત્રણ કાયદાથી સંકર્ષિત કિશોરોને શોધી કાઢી પોલીસ મથકે બોલાવી લીધા હતા.

 સાથો સાથ તેઓની બાઇક ની પાછળની સીટમાં બેઠેલા શાહનવાજ ઈસ્માઈલભાઈ ચમડીયા, મીરા સીફાન ઇરફાનભાઇ, શબ્બીર હુસેનભાઇ સન્ના, નવાજ હુસેન ચૌહાણ, મોઈન ગનીભાઈ ચમડિયા, સબીર હારૂનભાઇ જખરા, સમીર અબ્દુલભાઈ કકકલ, આરબ તેમજ આલ્ફાજ અલતાફભાઈ ખફી વગેરેને પોલીસ મથકે બોલાવી લીધા હતા, તેઓને તમામને ફરી આવું નહીં કરવા સમજ આપી હતી. જે તમામે આવું કૃત્ય નહીં કરવા કબુલાત પણ આપી હતી.

 આમ સોશિયલ મીડિયામાં ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવનાર ટોળકીને સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની પોલીસ ટીમે નેત્રમની ટીમની મદદથી ગણતરીના કલાકોમાં તમામને શોધી કાઢ્યા છે, અને બોધપાઠ પણ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application