BREAKING NEWS

જામનગર : ધ્રોલના હમાપરમાં ત્રણ વ્યકિતની હત્યાની કોશિષ

  • October 09, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં જમીન ખેડવાના મનદુ:ખમાં હથિયારો ઉડયા હતા, જેમાં બે આહિરબંધુ સહિત ત્રણની હત્યાની કોશિષ કર્યાની એક પરિવારના બે મહિલા સહિત ચાર સામે ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે, કુહાડા, ધારીયા, પાઇપ વડે હિંચકારો હુમલો કરાયો હતો, ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.


ધ્રોલ તાલુકાના હમાપર ગામમાં રહેતા ખેતીકામ કરતા અક્ષય કેશુભાઇ ડાંગર (ઉ.વ.૨૬) નામના યુવાનના પિતાની માલિકીની ખેતીની પડતર જમીનની બાજુમાં આવેલ ખરાબો આરોપી રવિ અને રાજ ખેડતા હોય અને ખરાબા બાદ ફરીયાદીના પિતાની માલિકીની જમીનમાં પણ દબાણ કરીને ખેડેલ હોય જેથી ફરીયાદ પક્ષે તેઓને અગાઉ ના પાડેલ હોવાથી બંને વચ્ચે આ બાબતનું મનદુ:ખ ચાલતુ હતું.


ફરીયાદી તથા તેમના પિતા કેશુભાઇ તથા કાકા વિનુભાઇ ત્રણેય ઉપરોકત બંને શખ્સોને સમજાવવા માટે ગયા હતા ત્યારે રવિ અને રાજે ફરીયાદી અને સાહેદો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી આ વખતે અન્ય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરીયાદી તથા સાહેદોના શરીર પર મરચાની ભુકી ઉડાડી હતી, આરોપીઓ પૈકી રવિએ ધારીયા વડે કેશુભાઇને મારી નાખવાના ઇરાદે માથામાં ઘા ઝીંકી દીધો હતો, જયારે રાજે કુહાડા વડે કાકા વિનુભાઇને મારી નાખવાના ઇરાદે ઉપરા ઉપર માથામાં ચારેક ઘા ઝીંકી દીધા હતા, જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોચાડી હતી તેમજ આરોપી ગનુબેનએ ફરીયાદીને માથા તથા હાથમાં પાઇપ વડે મુંઢ માર માર્યો હતો અને અન્ય એક મહિલા આરોપીએ અપશબ્દો બોલી આજે તો ત્રણેય મારી જ નાખવા છે તેવુ આરોપીઓ બોલી તમામે ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી.
​​​​​​​

હુમલામાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જયાં બનાવ સબંધે અક્ષયભાઇ ડાંગર દ્વારા હમાપર ગામમાં રહેતા રવિ મુળુ ડાંગર, રાજ મુળુ ડાંગર, ગનુબેન મુળુ ડાંગર તથા પુજાબેન મુળુ ડાંગરની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવતા પીઆઇ એચ.વી. રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application