BREAKING NEWS

સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૪ ટ્રોફીમાં જામનગર ડિસ્ટ્રિક્ટનો દબદબો

  • December 18, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-૧૪ ટીમે શાનદાર અને પ્રભાવશાળી પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સુરેન્દ્રનગર અને ભાવનગર સામે સતત બે ટેસ્ટ મેચમાં ભવ્ય જીત સાથે જામનગર ડિસ્ટ્રિક્ટે કુલ ૧૨ પોઇન્ટ મેળવી પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.


આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની કુલ ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેને છ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. જેમાં જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર રૂરલને ગ્રુપ ઈમાં રાખવામાં આવ્યા હતા. તારીખ ૧૨થી ૧૯ ડિસેમ્બર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રિક્ટ અન્ડર-૧૪ ટીમે બંને મેચમાં એકતરફી પ્રદર્શન કરીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. તમામ ગ્રુપમાંથી વિજેતા બનેલી આઠ ટીમો વચ્ચે આગામી સમયમાં આગળની મેચોનું આયોજન જાહેર કરવામાં આવશે.


સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે નિયમિત ટ્રેનિંગ અને કોચિંગ મેળવી રહેલા હસિત ગણાત્રા, મહર્ષિ વાયડા, પાર્થ સિસોદિયા, રિષભ ભુવા, જેનીલ કવા અને રિષભ મોરિયા સહીતના ખૈલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું છે. 


પ્રથમ મેચ  જામનગર વિ. સુરેન્દ્રનગર (૧૨-૧૩ ડિસેમ્બર, સુરેન્દ્રનગર) જેમાં સુરેન્દ્રનગરની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી. જામનગર ડિસ્ટ્રિક્ટ પ્રથમ ઇનિંગમાં ૧૦૬ રન કરીને ઓલઆઉટ થઈ હતી, જ્યારે બીજી ઇનિંગમાં ૧૯૫ રન ૫ વિકેટ ગુમાવતા દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં સુરેન્દ્રનગરની ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૨૬ રન અને બીજી ઇનિંગમાં માત્ર ૩૬ રનમાં ઓલઆઉટ થઈ હતી. જામનગર ડિસ્ટ્રિક્ટે આ મેચમાં ૧૪૯ રનની ભવ્ય જીત મેળવી.


આ મેચમાં પ્રથમ ઇનિંગમાં જેનીલ કવાએ ૮૫ બોલમાં ૫૫ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બોલિંગમાં જામનગર ટીમના વાઇસ કેપ્ટન મહર્ષિ વાયડાએ ૨૦ ઓવરમાં ૬ મેડન સાથે માત્ર ૩૦ રન આપી ૫ વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ પાર્થ સિસોદિયાએ ૨૦ ઓવરમાં ૯ મેડન સાથે ૩૦ રન આપી ૩ વિકેટ મેળવી હતી.


બીજી ઇનિંગમાં ટીમના કેપ્ટન હસિત ગણાત્રાએ ૧૩૦ બોલમાં ૯૭ રનનો લાજવાબ સ્કોર કર્યો હતો, જ્યારે વિકેટકીપર રિષભ મોરિયાએ ૬૮ બોલમાં ૭૩ રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગમાં પાર્થ સિસોદિયાએ ૧૪ ઓવરમાં ૯ મેડન સાથે માત્ર ૧૧ રન આપી ૬ વિકેટ ઝડપી હતી અને મહર્ષિ વાયડાએ ૧૪ ઓવરમાં ૬ મેડન સાથે ૯ રન આપી ૩ વિકેટ મેળવી હતી.


બીજી મેચમાં જામનગર ડિસ્ટ્રિક્ટે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ ઇનિંગમાં જામનગરની ટીમે ૩૨૨ રનનો વિશાળ સ્કોર ખડક્યો અને બીજી ઇનિંગમાં ૧૩૭ રનમાં ૪ વિકેટ ગુમાવતા દાવ ડિકલેર કર્યો. જવાબમાં ભાવનગર રૂરલની ટીમ પ્રથમ ઇનિંગમાં ખૂબ ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગમાં પણ માત્ર ૮૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે જામનગર ડિસ્ટ્રિક્ટે ૩૨૩ રનની ભવ્ય જીત નોંધાવી.


આ મેચમાં પ્રથમ ઇનિંગમાં કેપ્ટન હસિત ગણાત્રાએ ૧૪૮ બોલમાં ૧૩૭ રનની શાનદાર સદી ફટકારી હતી. સાથે જ ચિરાગ ધરીવાલે ૧૩૯ બોલમાં ૭૬ રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. બોલિંગમાં રિષભ ભુવાએ ૧૨ ઓવરમાં ૬ મેડન સાથે ૧૧ રન આપી ૫ વિકેટ ઝડપી હતી, જ્યારે મહર્ષિ વાયડાએ ૯ ઓવરમાં ૩ મેડન સાથે ૧૨ રન આપી ૩ વિકેટ મેળવી હતી.


બીજી ઇનિંગમાં હસિત ગણાત્રાએ ૫૯ બોલમાં ૬૨ રન બનાવ્યા અને ચિરાગ ધરીવાલે ૪૭ રન ઉમેર્યા. બોલિંગમાં મહર્ષિ વાયડાએ ૧૨ ઓવરમાં ૭ મેડન સાથે ૧૮ રન આપી ૪ વિકેટ ઝડપી, રિષભ ભુવાએ ૯ ઓવરમાં ૪ મેડન સાથે ૨૮ રન આપી ૩ વિકેટ મેળવી અને પાર્થ સિસોદિયાએ ૮ ઓવરમાં ૧ મેડન સાથે ૧૬ રન આપી ૩ વિકેટ મેળવી હતી.
​​​​​​​

જામનગર ડિસ્ટ્રીક્ટ અંડર૧૪ ક્રિકેટ ટીમ હસિત ગણાત્રા  કેપ્ટન, ઓપનર બેટ્સમેન, મહર્ષિ વાયડા  વાઈસ કેપ્ટન, રિષભ મોરીયા, અર્જુન જાડેજા, ચિરાગ ધરીવાલ, જેનીલ કવા, કુશાલ દુધરેજીયા, પાર્થ સિસોદિયા, રિષભ ભુવા, રુષીલ બારડ, વંશ સોલંકી, બીથોવન ઝાલા, હિતાંશ દાઉદીયા, રિધ્ધીમાન જાડેજા, વિહાન ઝાલા, વ્રજ પરમારનો સમાવેશ થાય છે. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરત મથ્થર દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application