BREAKING NEWS

આમાં કયાંથી ભણે જામનગર..૪૬૭ છાત્રો જ્ઞાનસાધના શિષ્યવૃતિથી વંચીત

  • November 25, 2025 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના ૪૬૭ વિધાર્થીઓને જ્ઞાનસાધના શિષ્યવૃતિનું હજુ સુધી ફદીયું પણ ન મળતા ભારે ચકચાર જાગી છે. નવાઇની વાત તો એ છે કે, શિષ્યવૃતિની પરીક્ષા પૂર્ણ થયાના આઠ મહીના બાદ પણ સ્કોલરશીપ ન મળતા વિધાર્થીઓની મહેનત પર પાણી ઢોળની સ્થિતિથી વાલીઓમાં દેકારો બોલી ગયો છે. વાહ વાહ મેળવવા મોટા ઉપાડે ઘોષણા કર્યા બાદ વિધાર્થીઓને સરકારી સહાય ચૂકવવામાં શિક્ષણ વિભાગના ઠાગાઠૈયાથી અનેક સવાલ ઉઠ્યા છે. 


રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જ્ઞાનસાધના સ્કોરશીપની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલ કે જેનો એમ પેનલમાં સમાવેશ થાય છે તે શાળામાં અભ્યાસ કરતા ધો.૮ ના છાત્રો આપી શકે છે. ચાલુ વર્ષે માર્ચ મહીનામાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજયમાં ધો.૮ માં અભ્યાસ કરતા હજારો વિધાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા છાત્રોનું મેરીટ તૈયાર થાય છે. ત્યારબાદ મેરીટના અધારે છાત્રોને શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેની રકમ સીધી છાત્રોના બેંક ખાતામાં જમા થાય છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, જ્ઞાનસાધના શિષ્યવૃતિની પરીક્ષા કે જે માર્ચ મહીનામાં લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થયાને આઠ મહીના થયા છે. આમ છતાં જામનગર સહીત રાજયભરમાં પરીક્ષા ઉતીર્ણ કરનાર અને મેરીટમાં આવનાર એકપણ છાત્રને જ્ઞાનસાધના સ્કોલરશીપનું ફદીયું પણ બેંક ખાતામાં જમા થયું નથી. આથી વિધાર્થીઓએ આ પરીક્ષા પાસ કરવા માટે કરેલી મહેનત પર પાણી ઢોળની સ્થિતિ સર્જાઇ છે. 


બીજી બાજુ પરીક્ષાના ૮ મહીના બાદ પણ છાત્રોને શિષ્યવૃતિન મળતા વાલીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. યોજનાની સરકાર દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવે છે. પરંતુ જ્ઞાનસાધના શિષ્યવૃતિની ૨૦૨૫-૨૬ની પરીક્ષામાં મેરીટમાં આવેલા અને ઓનલાઈન એપ્રૂવ થયેલા ધો.૮ માં અભ્યાસ કરેલા જામનગર સહીત  રાજ્યના એક પણ વિદ્યાર્થીના બેંક ખાતામાં હજુ સુધી જ્ઞાનસાધના શિષ્યવૃતિના નાણા જમા ન થતા સરકારી સહાયથી વંચિતની ફરિયાદો  વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉઠી છે.


વળી, આ સહાય આ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ક્યારે જમા થશે તેની પણ કોઈ વિગત ઉચ્ચ કક્ષાએથી વાલીઓને મેસેજમાં કે વેબસાઈટમાં આપવામાં ન આવતા દીવા તળે ઘનઘોર અંધારાની પરિસ્થિતિ હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસ્યું છે. જેના કારણે આમાં ક્યાંથી ભણે જામનગર તે સવાલ વાલીઓમાં ઉઠ્યો છે. આટલું જ નહીં જો શિષ્યવૃતિની રકમ સમયસર વિધાર્થીઓને ચૂકવવામાં આવતી નથી તો શા માટે યોજના જાહેર કરવામાં આવે છે પ્રશ્ર્ન પણ વાલીઓમાં ઉઠ્યો છે.


વિધાર્થીને ધો.૧૨ સુધી કુલ રૂ.૨૪૦૦૦થી ૮૮૦૦૦ શિષ્યવૃતિ મળે છે

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્રારા લેવામાં આવતી જ્ઞાનસાધના સ્કોલરશીપ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા કે જેનો એમ પેનલમાં સમાવેશ થાય છે તે શાળામાં ધો.૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને મળે છે. આ પરીક્ષા ઉર્તીણ કરનાર છાત્રોનું મેરીટ લીસ્ટ બને છે. જેમાંથી પસંદગી પામનાર છાત્રોના બેંક ખાતામાં શિષ્યવૃતિની રકમ જમા થાય છે. આ છાત્રોને નિયમ મુજબ રૂ.૨૨૦૦૦ થી રૂ.૮૮૦૦૦ની શિષ્યવૃતિ મળે છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધો.૮ ના છાત્ર જો આ પરીક્ષા ઉર્તીણ કરે અને મેરીટ યાદીમાં આવે તો દર વર્ષે એટલે કે ધો.૧૨ સુધી ૬૦૦૦ લેખે કુલ રૂ.૨૪૦૦૦ની સ્કોલરશીપ મળે છે.


આ માટે છાત્રએ જે તે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધો.૮ પછી ધો.૧૨ સુધી સળંગ અભ્યાસ કરવો પડે છે. દર છ મહીને રૂ. ૩૦૦૦ નો હપ્તો છાત્રના બેંક ખાતામાં જમા થાય છે. જયારે ખાનગી શાળામાં અભ્યાસ કરતા અને જે શાળાનો એમ પેનલમાં સમાવેશ થાય છે તે શાળાના ધો.૮ માં અભ્યાસ કરતા વિધાર્થી જે આ પરીક્ષા ઉર્તીણ કરી મેરીટ યાદીમાં આવે તો તેને દર વર્ષે રૂ.૨૨૦૦૦ એટલે કે ધો.૧૨ સુધી કુલ રૂ.૮૮૦૦૦ ની શિષ્યવૃતિ મળે છે. આ માટે છાત્રએ ધો.૯ થી ૧૨ એક જ શાળામાં અભ્યાસ અને ૮૦ ટકાથી વધુ હાજરી ફરજીયાત છે. આ છાત્રના બેંક ખાતામાં દર વર્ષે ૬ મહીને રૂ.૧૧૦૦૦નો હપ્તો છાત્રના બેંક ખાતામાં જમા થાય છે. 


ગ્રાન્ટ અને સ્કોલરશીપના નાણાંની ફાળવણીમાં ધાંધિયા યથાવત

જામનગર સહીત રાજયભરમાં સરકારી શાળાઓને જુદી-જુદી ગ્રાન્ટ તો વિધાર્થીઓને સ્કોલશીપ આપવામાં આવે છે. પરંતુ મોટા ભાગની ગ્રાન્ટ તથા સ્કોલરશીપના નાણાંની ફાળવણીમાંં મહદઅંશે ધાંધિયા એટલે કે સમયસર ફાળવવામાં આવતી નથી. જેના કારણે શાળાના આચાર્યો ટૂંકા ગાળામાં ગ્રાન્ટનો ઉપયોગ ન કરી શકતા ગ્રાન્ટ લેપ્સ અથવા તો પરત જાય છે. બીજી બાજુ છાત્રોને સ્કોલરશીપ ન મળતા તેનો ઉત્સાહ ઘટે છે અને કાર્યક્ષમતા પર પણ માઠી અસર પડે છે. આમ છતાં શિક્ષણ વિભાગના પેટનું પાણી હલતું નથી. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application