જામનગરની ન્યુ જામનગર સોસાયટીમાં દિવાળીના તહેવાર ટાંકણે રબડીરાજથી રહેવાસીઓ તોબા પોકારી ગયા છે. માર્ગો પર મોરમ પાથરવાની કામગીરીમાં લોટ પાણીને લાકડાની ફરિયાદો રહેવાસીઓ કરી રહ્યા છે. આથી કાદવ-કીચડ દૂર થવાને બદલે વધતા લોકોને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના રસ્તાઓમાં પડેલા ખાડા બુરવા માટે રહેવાસીઓએ મહાપાલીકા તથા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રાવ કરવાની ફરજ પડી હતી.
જામનગરની ન્યુ જામનગર સોસાયટીમાં ચોમાસામાં માર્ગોનું ધોવાણ થતા રહેવાસીઓને આવાગમનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ગેસની પાઇપલાઇન તથા ભૂગર્ભ ગટરની કામગીરી માટે માર્ગોનું ખોદકામ કરવામાં આવતા રહેવાસીઓની મુશ્કેલી બેવડાઇ છે. કારણ કે, સોસાયટીના માર્ગોમાં પડેલા મસમોટા ખાડા કમરના દુ:ખાવા વધારી રહ્યા છે. આટલું જ નહીં ખાડામાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ પણ વઘ્યો છે. સાથે સાથે કાદવ-કીચડના કારણે વાહન સ્લીપ થવાના બનાવ રોજીંદા બન્યા છે. આથી માર્ગોની સ્થિતિ ચાલવા લાયક બને અને ખાડામાં પાણી ન ભરાય તે માટે ન્યુ જામનગર સોસાયટીના રહેવાસીઓએ મહાનગરપાલીકા, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ,સીપીગ્રામ્સ પોર્ટલ સહીત સંબધિત વિભાગોમાં ફરિયાદો કરી હતી. ફરિયાદોને દિવસો વીત્યા બાદ છેક ચોમાસાના અંતે જામ્યુકો દ્રારા ભૂગર્ભ ગટર તથા ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી માટે ખોદાયેલા અમુક માર્ગો પરર મોરમ પાથરવાની કામગીરી કરવામાં આવી હતી.
આથી રહેવાસીઓમાં કાદવ-કીચડ ન થવાની આશા બંધાઇ હતી. પરંતુ સોસાયટીના માર્ગો પર આડેધડ મોરમ પાથરવામાં આવતા રસ્તાઓમાં કાદવ-કીચડ ઘટવાને બદલે ખૂબ વધી જતાં હાલમાં માર્ગો પરથી આવાગમન કરવું દુષ્કર બન્યું છે. આટલું જ નહીં અમુક માર્ગો પરથી તો અવરજવર ન કરી શકાય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. આથી મનપા દ્રારા તદન લોટ,પાણીને લાકડા જેવી કામગીરી કરી સમસ્યા દૂર કરવાને બદલે વધારવામાં આવી હોવાની ફરિયાદો સોસાયટીના રહેવાસીઓમાં ઉઠી છે.
માર્ગો પર કાદવ-કીચડ અને ખાડાના સમ્રાજયથી રહેવાસીઓ પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે તો મચ્છરના ઉપદ્રવથી રોગચાળાનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે, દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોસાયટીમાં માર્ગો પર રબડી અને ખાડારાજથી રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં તંત્રએ પણ શરમ નેવે મૂકી દીધી હોય અને અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ પ્રર્વતી રહી હોવાની ફરીયાદો રહેવાસીઓમાં ઉઠી છે.