જામનગરનો શરૂ સેકશન રોડ રખડતા ઢોરનું આશ્રયસ્થાન બન્યો
જામનગરનો શરૂ સેકશન રોડ રખડતા ઢોરનું આશ્રયસ્થાન બન્યો
January 03, 2026 12:04 PM
જામનગરનો શરૂ સેકશન રોડ રખડતા ઢોરનું આશ્રયસ્થાન બન્યો છે. નવાઇની વાત તો એ છે કે, શહેરના ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ પર પોલીસ હેડકર્વાટર, મહેસૂલ સેવાસદન, કલેકટર કચેરી, સરકારી વસાહત આવેલી છે. આમ છતાં મહાનગરપાલીકા રખડતા ઢોરના પ્રશ્ર્ને નિંભરતા દાખવતા આ માર્ગ ધીમે ધીમે ગૌશાળા બની રહ્યો છે.શેરીઓમાં ઘૂસીને ઢોર પકડવાની કાર્યવાહી કરનાર મહાનગરપાલીકાનું તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. આટલું જ નહીં શહેરમાં ઢોર નિયંત્રણ પોલીસીનું સૂરસૂરિયું થઇ ગયું છે.
જામનગરમાં સતત ટ્રાફીકથી ધમધમતા શરૂ સેકશન રોડ પર આડધેડ ગેપથી વાહનચાલકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આટલું જ નહીં નિયમોનો ઉલાળીયો કરી બનાવામાં આવેલા ગેપ અને ડીવાઇડરમાં વાવેલા વૃક્ષોની ઉંચાઇ વધી જતાં વાહનચાલકો પર જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આ સ્થિતિમાં વાહનોથી સતત ધમધમતો આ માર્ગ રખડતા ઢોર માટે આશ્રયસ્થાન બન્યો છે. કારણ કે, આ માર્ગ પર દીવસમાં છાશવારે રખડતા ઢોરના અડીંગા જોવા મળે છે. ઢોર એટલી સંખ્યામાં હોય છે કે આ માર્ગ છે કે ગૌશાળા તે અમુક સમયે સમજાતું નથી.નવાઇની વાત તો એ છે કે, આ માર્ગ પર સરકારી વસાહત, પોલીસ હેડ કર્વાટર, મહેસૂલ સેવા સદન અને કલેકટર સહીત અન્ય મહત્વની કચેરી આવેલી છે. આથી ટ્રાફીકનું પ્રમાણ વધુ રહે તે સ્વાભાવીક છે.
આ વાત મહાનગરપાલીકાના જવાબદારો સારી રીતે જાણે છે. કારણ કે, તેઓ પણ છાશવારે કલેકટર કચેરીમાં થતી મીટીંગોમાં જતા હોય છે. આમ છતાં જામ્યુકો આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતા શરૂ સેકશન માર્ગ પર રખડતા ઢોરની સમસ્યાએ માઝા મૂકી છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને માર્ગની આજુબાજુ રહેતા રહેવાસીઓને નાકે દમ આવી ગયો છે.
નવાઇની વાત તો એ છે કે, માર્ગો પરથી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા મનપાના જવાબદારોએ શેરીઓમાં ઘૂસી ઢોર પકડવાની કામગીરી કરી હોય તેવા દાખલા પણ છે. પરંતુ શરૂ સેકશન માર્ગ રખડતા ઢોરનું આશ્રયસ્થાન બનતા શેરીઓમાં ઘૂસી ઢોર પકડનાર મહાનગરપાલીકાનું તંત્ર ખોવાઇ ગયું છેે, આ માર્ગ મનપામાં આવતો નથી કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે તે શહેરીજનોએ સમજાતું નથી. નવાઇની વાત તો એ છે કે, શહેરમાં મોટા ઉપાડે રખડતા ઢોર નિયંત્રણની અમલવારી કરાવવા માટે આરંભે શૂરાની જેમ મનપાએ કામગીરી કરી વાહ વાહ મેળવી હતી. પરંતુ હાલમાં તો આ પોલીસીનું શહેરમાં સૂરસરિયું થઇ ગયું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે.