જામનગરવાસીઓ તમારા મોબાઇલમાં ઉદઘાટન કે લગ્ન કંકોત્રીની લીંક આવે તો ખોલતા નહીં. કારણ કે, એપીકે લખેલી આ લીંક ખોલતાની સાથે જ બેંક ખાતું તળિયા ઝાટક થઇ જાય છે. શહેરમાં નામાંકીત વ્યકિતઓના મોબાઇલ ફોન હેક કરી તેમના નામે લીંક મોકલી છેતરપીંડીનો નવતર કીમીયાની ઝપટમાં અનેક લોકો આવી ગયા છે. સાયબર ઠગ ટોળકીએ વકીલ, બીલ્ડર સહીત જાણીતા લોકોના ફોન હેક કરી ઘણા લોકોને ચૂનો ચોપડયાની ફરિયાદો શહેરીજનોમાં જોરશોરથી ઉઠી છે.
જામનગર સહીત રાજયભરમાં આરટીઓનું ચલણ, વીજકંપનીના બીલ ભરવાની લીંક મોબાઇલમાં મોકલી છેતરપીંડી આચરતી ટોળકી સક્રીય છે. અત્યાર સુધીમાં ઘણા લોકો આ છેતરપીંડીનો ભોગ બની ચૂકયા છે. ત્યારે હવે સાયબર ઠગ ટોળકી દ્રારા છેતરપીંડીની નવી મોડસ ઓપરેન્ડી હાથ ધરવામાં આવી છે. જેે અનુસાર સાયબર ઠગ ટોળકી દ્રારા જામનગર શહેરના નામાંકીત વ્યકિતઓના મોબોઇલ ફોન હેક કરવામાં આવે છે. ત્યારબાદ આ નામાંકીત વ્યકિતઓના નામે તેમના નંબર પરથી તેમના મોબાઇલમાં સેવ કરેલા નંબરો પર કોઇ નવા એકમના ઉદઘાટન અને લગ્નપ્રસંગની લીંક મોકલવામાં આવે છે.
આથી સ્વાભિવીક રીતે જે વ્યકિતને લીંક મળી છે તે કૂતૂહૂલવશ થઇ ને શું પ્રસંગ કે ઉદઘાટન છે તે કૂતૂહૂલવશ થઇને જોશે. પરંતુ શહેરીજનો તમારા મોબાઇલમાં આ પ્રકારની લીંક તમારા કોઇ પરિચિત કે નામાંકીત વ્યકિતના ફોન નંબર પરથી આવે તો ખોલતા નહીં. કારણ કે, .એપીકે લખેલી આ લીંક ખોલતા જ જે વ્યકિત લીંક ખોલે છે તેનું બેંક ખાતું તળિયા ઝાટક થઇ જાય છે. કારણ કે, આ લીંક ખોલતા જ તે વ્યકિતનો મોબાઇલનો સાયબર ઠગ ટોળકીના કન્ટ્રોલમાં આવી છે. આથી તેઓ તે વ્યકિતના તમામ ડેટા, પાસવર્ડ મેળવી શકે છે. આટલું જ નહીં આ વ્યકિત મોબાઇલ દ્રારા બેંક ટ્રાન્જેકશન કરે ત્યારે તેના નેટબેકીંગ સહીતના પાસવર્ડ સાયબર ઠગ ટોળકી આસાનીથી મેળવી લે છે અને ત્યારબાદ બેંક ખાતામાંથી નાણાં ઉપાડી અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરવામાં આવે છે.
શહેરમાં થોડા દિવસોથી આ પ્રકારની છેતરપીંડીના કિસ્સા ખૂબજ વઘ્યા છે. શહેરના એક નામાંકીત વકીલ અને બિલ્ડર તેમજ અન્ય જાણીતા લોકોના મોબાઇલ ફોન હેક કરી આ પ્રકારે ઉદઘાટન અને લગ્ન પ્રસંગની લીંક તેમના મોબાઇલમાં સેવ કરેલા નંબરો પર મોકલવામાં આવી હતી. આથી આ લીંક ખોલતા ઘણા લોકોકના બેંક ખાતા તળિયા ઝાટક થયાની ચર્ચા શહેરભરમાં ચોમેર ચાલી રહી છે. આથી .એપીકે લખેલ આ લીંક આવે તો શહેરીજનો ન ખોલતા નહીં તો બેંક ખાતું તળિયા ઝાટક થઇ જશે. આ છેતરપીંડીનો ઘણા શહેરીજનો ભોગ બન્યા છે. પરંતુ આબ જવાની બીકે પોલીસ ફરિયાદ ન નોંધાવતા હોવાનું પણ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.