BREAKING NEWS

જામનગરના ઔદ્યોગિક જગતનો મહાકુંભ: 'ટેક ફેસ્ટ - ૨૦૨૬' ના પ્રમોશનલ ઈવેન્ટમાં ઉદ્યોગ સાહસિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ

  • December 29, 2025 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રાસ સિટીની વૈશ્વિક ઉડાન: ૩૦૦ સ્ટોલ, જર્મન ટેકનોલોજીના ડોમ અને ૨ લાખથી વધુ મુલાકાતીઓના લક્ષ્યાંક સાથે આગામી જાન્યુઆરીમાં યોજાશે ઐતિહાસિક ઔદ્યોગિક પ્રદર્શન


જામનગર, જે સમગ્ર વિશ્વમાં 'બ્રાસ સિટી' તરીકે ગૌરવવંતું સ્થાન ધરાવે છે, તે ફરી એકવાર પોતાની ઔદ્યોગિક તાકાતનું પ્રદર્શન કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. આગામી તારીખ ૭, ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ દરેડ જીઆઈડીસી બાયપાસ રોડ ખાતે, જીઆઈડીસી પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશનના નેજા હેઠળ 'જામનગર ટેક ફેસ્ટ - ૨૦૨૬' નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ મેગા ઈવેન્ટની પૂર્વતૈયારીના ભાગરૂપે ગઈકાલે સાંજે રણજીતનગર સ્થિત લેઉવા પટેલ સમાજ ખાતે એક શાનદાર પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.



 ઈવેન્ટ ચેરમેન અશોક કાછડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને સરકારી અધિકારીઓની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુંભાઈ એમ. પટેલે તમામ આમંત્રિતોનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ ટેક ફેસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ જામનગરના લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (MSMEs) ને વિશ્વની આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવાનું એક સશક્ત માધ્યમ છે. તેઓએ ગર્વ સાથે ઉમેર્યું હતું કે આ છઠ્ઠું એડિશન (6th Edition) નેશનલ લેવલનું બની રહેશે, જેમાં ૨૫૦ થી ૩૦૦ જેટલા સ્ટોલ્સ અને ૨ લાખથી વધુ મુલાકાતીઓનો અંદાજ છે, જે જામનગરના વિકાસ માટે આપણી એકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે


આ પ્રમોશનલ ઈવેન્ટમાં જામનગરના ઔદ્યોગિક વિકાસની દિશા અને દશા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમણીકભાઈ અકબરીએ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન કામદારો અને રોજગારીની તકો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, બ્રાસ ઉદ્યોગ સીધી અને આડકતરી રીતે ૩ લાખ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છીએ, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે ઇનોવેશન અને નવી ટેકનોલોજીમાં પણ હરણફાળ ભરીએ.



​​​​​​​આ સાથે જામનગર ફેક્ટરી માલિક સંગઠનના પ્રમુખ રામજીભાઈ ગઢિયાએ ગુણવત્તા પર ભાર મુકતા કહ્યું હતું કે ભૂતકાળમાં ક્વોલિટીના અભાવે જે ઓર્ડર્સ બહાર જતા હતા, તે હવે સુધરેલી ગુણવત્તા અને ટેકનોલોજીના કારણે જામનગરમાં જ ટકી રહ્યા છે. આ તકે પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા અને લાખાભાઈ કેશવાલાએ પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સંગઠિત થઈને રજૂઆતો કરવા પર ભાર મૂક્યો હતો, જેથી ઉદ્યોગકારો જાગૃત થઈને સમયની સાથે અપગ્રેડ થઈ શકે.



'ટેક ફેસ્ટ - ૨૦૨૬' ની ભવ્યતા અને તેના આયોજનની ઝીણવટભરી વિગતો આપતા પરેશભાઈ હરપાલ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝર બ્રિજેશભાઈએ આંકડાકીય માહિતી રજૂ કરી હતી, જે ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરેશભાઈએ જણાવ્યું હતું કે ૨૦૧૬માં જે સફર ૧૦૦ સ્ટોલથી શરૂ થઈ હતી, તે આજે ૩૦૦ સ્ટોલ અને ૩.૫ થી ૪ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ ડોમ સુધી પહોંચી છે. આ વખતે પ્રદર્શનમાં જર્મન ટેકનોલોજીના અધ્યતન ડોમ અને કાર્પેટનો ઉપયોગ કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ પ્રદાન કરશે. ખાસ કરીને પાર્કિંગ જેવી સમસ્યાઓનું નિવારણ કરીને આ વખતે ૨૦% થી વધુ 'પ્રીમિયમ અને ક્રીમ કસ્ટમર્સ' ને આકર્ષવાનું આયોજન છે. બ્રિજેશભાઈએ ઉમેર્યું હતું કે, નવા ગ્રાહકો પૈકી ૬૦% વર્ગ ગુજરાત બહારનો છે, જે જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે રાષ્ટ્રીય સીમાડાઓ પાર કરવાની સુવર્ણ તક છે.

 ઓનલાઈન માર્કેટિંગ અને સ્ટાર્ટ-અપ માટેના વિશેષ સેમિનારો પણ આ વખતના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

અંતમાં, આ પ્રમોશનલ ઈવેન્ટનો સૂર માત્ર વ્યાપાર વૃદ્ધિ પૂરતો સીમિત ન રહેતા, માતૃભૂમિના ઋણ સ્વીકાર તરફ પણ વળ્યો હતો. વક્તાઓ દ્વારા એક સમાન લાગણી વ્યક્ત કરવામાં આવી હતી કે, "અહીં કમાણાં છીએ, તો અહીં જ પાછું આપવું છે." જામનગરના ઔદ્યોગિક સંગઠનોની એકતા અને સંપનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કારોબારી સભ્યો, પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ સંકલ્પ લીધો હતો કે જામનગરના બ્રાસ ઉદ્યોગને વિશ્વના નકશા પર વધુ મજબૂતીથી અંકિત કરવામાં આવશે.



ગુજરાત સરકાર દ્વારા પણ વખાણાયેલા આ 'ટેક ફેસ્ટ' થકી સ્થાનિક ઉદ્યોગકારોને આધુનિક મશીનરીનું જ્ઞાન મળશે અને તેઓ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે સક્ષમ બનશે. આમ, આ પ્રમોશનલ ઈવેન્ટ આગામી જાન્યુઆરીમાં યોજાનારા મહાકુંભની સફળતાની પારાશીશી સમાન બની રહ્યો હતો, જે જામનગરના ઉદ્યોગ જગત માટે એક નવી સવાર લઈને આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application