BREAKING NEWS

જામનગર  : જામ્યુકોની બલીહારી, ભૂગર્ભ ગટરનું કામ શહેરીજનો માટે બન્યું પીડાદાયક..!

  • January 03, 2026 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં દિગ્વિજય પ્લોટથી સાત રસ્તા સુધી ચાલી રહેલું ભૂગર્ભ ગટરનું કામ ગોકળગાય કરતા પણ ધીમી ગતિએ ચાલતા સમસ્યાઓએ હદ વટાવી છે. આટલું જ નહીં ભૂગર્ભ ગટરનું આ કામ શહેરીજનો માટે ભારે કષ્ટદાયક બનતા આ તે કેવો વિકાસ તે સવાલ જોરશોરથી ઉઠ્યો છે. આ માર્ગ પણ છેલ્લાં ઘણાં સમયથી કેવી રીતે અને કયાં પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે શહેરીજનોને સમજાતું જ નથી. આટલું જ નહીં આ માર્ગ પર ભૂગર્ભ ગટરની કામગીરી પૂરૂ થવાનું નામ જ ન લેતા ટ્રાફીક સહીતની હાલાકીથી લોકો રીતસર થાકી ગયા છે. ત્યારે મનપાના જવાબદારો કયાં છે તે સવાલ લોકોમાં ઉઠ્યો છે. 



જામનગરમાં ઠેર-ઠેર મહત્વના માર્ગો પર મનપા દ્રારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. પરંતુ સમ ખાવા પૂરતું એક પણ કામ નિયત સમયમર્યાદામાં પૂરૂ થતું નથી. નવાઇની વાત તો એ છે કે, કામગીરી શ‚ થવાની હોય તે પહેલા મોટા ઉપાડે મહાપાલીકા દ્રારા આ માર્ગ આટલા મહીના માટે એક બાજુ બંધ રહેશે તેવા જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. પરંતુ ભૂગર્ભ ગટરનું કામ મહીનાઓ સુધી પૂરૂ ન થતાં માર્ગ બંધ રહેતા શહેરીજનો મુશ્કેલી નહીં રીતસર યાતના ભોગવી રહ્યા છે. આવી જ સ્થિતિ દિગ્વિજય પ્લોટથી સાત રસ્તા માર્ગ પર પ્રર્વતી રહી છે. 


કારણ કે, આ માર્ગ પર ૬૩ દિગ્વિજય પ્લોટ પાસે છેલ્લાં છ મહીના જેટલા સમયથી માર્ગની એક બાજુ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. જે હજુ સુધી પૂર્ણ થયું નથી. આ કામગીરીથી એક બાજુનો માર્ગ બંધ છે. આથી ટ્રાફીકની પારવાર સમસ્યા સર્જાઇ રહી છે. આ કામગીરી અત્યંત ધીમી ગતિએ થઇ રહી છે. ત્યારે મનપામાં કોઇ કહેવાવાળું કે પૂછવાવાળું છે કે કેમ કે પછી મનપાના જવાબદારો શહેરીજનોને ભલેને મુશ્કેલી પડી અમારે શું તેમાં નીતીરીતી અપનાવી છે તે સવાલ લોકોમાં ઉઠ્યો છે. આટલું ઓછું હોય તેમ સુમેરકલબ પાસે માર્ગમાં એક બાજુ ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે મસમોટા ખાડા કર્યા હોય એક બાજુનો માર્ગ બંધ છે. આથી ટ્રાફીકની સમસ્યાએ માઝા મૂકી છે.

​​​​​​​


 નવાઇની વાત તો એ છે કે, આ માર્ગ પર હોસ્પિટલો આવેલી હોય મોટી સંખ્યામાં દર્દીઓ આવાગમન કરતા હોય છે. ખાસ કરીને ઇમરજન્સીના કીસ્સાઓમાં એમ્યુલન્સને આવાગમનમાં આ કારણોસર ભારે અવરોધ થઇ રહ્યો છે. આ તમામ સમસ્યાથી શહેરીજનો રીતસર થાકી ગયા છે. ૪૯-દિગ્વિજય પ્લોટ પાસે પણ કામગીરી માટે મસમોટો ખાડો કર્યો હતો. જે એક દીવસ પહેલા જ બુરવામાં આવ્યો છે. આમ ટ્રાફીકથી ધમધમતા આ માર્ગ પર ભૂગર્ભ ગટરની કામગીરી કાચબાથી પણ ધીમી ગતિએ ચાલી રહી હોય ટ્રાફીક સહીતની સમસ્યાએ માઝા મૂકતા શહેરીજનોને નાકે દમ આવી ગયો છે. પરંતુ મનપાના જવાબદારોને કંઇ ફેર ન પડતો હોય તેમ પોતાનામાં વ્યસ્ત રહેતા આ તે કેવો વિકાસ તે સળગતો સવાલ ઉઠ્યો છે.


પાછલા બારણેથી ખર્ચ વધારવા ઇરાદાપૂર્વક કામમાં વિલંબ, તપાસનો વિષય..!


જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં મોટાભાગના નાના કે મોટા વિકાસકાર્યો જે સમયમર્યાદામાં પૂરા થતા નથી તે એક નરી વાસ્તવીકતા છે. મોટા ભાગના કામ સમયસર પૂરા ન થતાં ખર્ચમાં દીન-પ્રતિદિન વધારો થતો રહે છે. અમુક કામમાં તો આ વધારો કરોડો રૂપિયાનો હોય છે. ત્યારે પાછલા બારણેથી ખર્ચ વધારવા ભૂગર્ભ ગટરના કામમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો છે અને તેની પાછળ કોના મલીન ઇરાદા કારણભૂત છે તે વીજીલન્સ તપાસનો વિષય બન્યો છે. કારણ કે, મનપાના જવાબદારો દ્રારા તો કોઇ પણ કામમાં વિલંબ થાય હોતી હે ચલતી હે ની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application