BREAKING NEWS

જન્માષ્ટમી લોકમેળાનો ધમાકેદાર પ્રારંભ; પ્રથમ દિવસે એક લાખ લોકો ઉમટ્યા

  • September 03, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને આયોજિત ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ જ દિવસે મેળામાં અંદાજે એક લાખ જેટલા લોકો ઉમટી પડતાં રેસકોર્સ ગ્રાઉન્ડ માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું. પરિવાર સાથે આવેલા શહેરીજનોએ મેળાની વિવિધ રાઇડ્સ, રમકડાં અને ખાણીપીણીના સ્ટોલની મોજ માણી હતી. લોકમેળાનું ઉદ્ઘાટન મંત્રી જીતુ વાઘાણીના હસ્તે હતું પરંતુ તેઓ કોઈ કારણોસર આવી ન શકતા લોકમેળાનું ઉદ્ઘાટન મહિલા સફાઈ કર્મી ગલાલબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. દરમિયાન ધારાસભ્ય રમેશ ટીલાળા, કલેકટર ઓમ પ્રકાશ, અધિક નિવાસી કલેકટર બારોટ, અજય ઝાંપડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેળાના પ્રારંભ સાથે જ બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. રમકડાંના સ્ટોલ પર બાળકો અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ પ્રકારના રમકડાં, આકર્ષક ગેમ્સ અને બાળકોને પસંદ પડે તેવી ચીજવસ્તુઓના સ્ટોલ ધમધમતા રહ્યા હતા. બીજી તરફ નાની ચકરડીઓ પણ બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. ચકરડીમાં બેસવા માટે બાળકોની લાંબી કતારો લાગી હતી અને વાલીઓ પણ બાળકોની ખુશીમાં જોડાયા હતા. લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ પર પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. ફરસાણ, ફાસ્ટફૂડ, ઠંડા પીણાં સહિતની વિવિધ વાનગીઓની લિજ્જત માણવા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સૌરાષ્ટ્રની પરંપરાગત ખાણીપીણી સાથે વિવિધ આધુનિક વાનગીઓ પણ મેળામાં ઉપલબ્ધ હોવાથી ખાણીપીણીના સ્ટોલ પર સતત ભીડ રહી હતી. પ્રથમ દિવસ હોવાથી સાંજ પડતાં જ મેળામાં લોકોની સંખ્યા સતત વધતી ગઈ હતી. પરિવાર સાથે આવેલા લોકો માટે વિવિધ સ્ટોલ અને મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જોકે, યાંત્રિક રાઇડ્સની મંજૂરી પ્રક્રિયા ધીમી રહેતાં પ્રથમ દિવસે તેનો સંપૂર્ણ રોમાંચ માણી શકાયો ન હતો. તેમ છતાં રમકડાં, નાની ચકરડીઓ અને ખાણીપીણીના સ્ટોલને કારણે મેળામાં ઉત્સવનો માહોલ છવાયો હતો. જન્માષ્ટમીના પર્વને લઈને આગામી દિવસોમાં મેળામાં ભીડ હજુ વધવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા પણ મોટી સંખ્યામાં આવનારા લોકોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application