BREAKING NEWS

દારૂની માફક હવે ગાંજા, એમડી ડ્રગ્સના સેવનનો પણ ઓન ધ સ્પોટ ખ્યાલ આવશે: રાજકોટ SP

  • November 26, 2026 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય પોલીસને ખાસ કીટ અપાઇ જેમાં લાળના નમુના પરથી માદક પદાર્થના સેવાનો ખ્યાલ આવશે: નશો લત છોડવવા હાલ પ્રેરણા કાઉન્સિલ સેન્ટરમાં આઠ લોકોનું કાઉન્સિલગ થઇ રહ્યા છે: વિજયસિંહ ગુર્જર


ગાંજો-ડ્રગ્સ સહિતના નશાકારક દ્રવ્યોનું સેવન કરનાર વ્યક્તિ પોતાની સાથે પોતાના પરિવારને પણ ખુવાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં નશાના દુષણને નેસ્ત નાબૂદ કરવા માટે હાલમાં કડક ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ એનડીપીએસના ચાર કેસ કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર જણાવ્યું હતું કે, દારૂની જેમ હવે ગાંજો- એમડી સહિતના માદક પદાર્થોનું સેવન કરનારાઓને ઝડપી લેવા માટે ખાસ કીટ પોલીસને આપવામાં આવી છે. જે કીટ મારફત ઓન ધ સ્પોટ વ્યક્તિએ નશો કર્યો છે કે કેમ? તેની જાણ થશે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવશે.


એનડીપીએસના કેસની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાના દુષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગ્રામ્ય પોલીસે ગોંડલ, પડધરી, શાપર અને ઉપલેટામાં દરોડા પાડી કુલ ચાર દરોડામાં દોઢ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી લઇ ચાર પેડલરોની ધરપકડ કરી હતી.


એસ.પી. વિજયસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં નશાના દુષણને નેસ્ત નાબૂદ કરવા માટે કાર્યવાહીના ભાગરૂપે પોલીસને એક વિશેષ કીટ આપવામાં આવી છે. જે કીટ મારફત ઓન ધ સ્પોટ વ્યક્તિએ માદક પદાર્થનું સેવન કર્યું છે કે કેમ? તેની જાણ થશે. જે પ્રકારે બ્રેથ એનેલાઇઝરથી કોઈ વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ તેનો ખ્યાલ આવે છે તે જ પ્રકારે આ કીટથી જે તે વ્યક્તિના લાળના નમુના પરથી તેણે ગાંજો કે અન્ય કોઈ માદક પદાર્થનું સેવન કર્યું છે કે કેમ તેની જાણ થશે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવશે. આ ખાસ પ્રકારની કીટ રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ આપવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા આ કિટ સાથે રાખી સઘન ચેકિંગ કરવામાં આવશે.


એસપીએ જણાવ્યું હતું કે જે કોઇ નશાના બંધાણી હોય અને હવે નશો છોડવા માંગતા હોય તેમણે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યરત પ્રેરણા કાઉન્સિલગ સેન્ટરનો સંપર્ક કરવો હાલમાં આ પ્રેરણા કાઉન્સિલ સેન્ટરમાં આઠ લોકોની સારવાર ચાલી રહી છે. જેમને નિષ્ણાંત સાયકોલોજીસ્ટ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. સાથોસાથ તેમણે લોકોને એવી અપીલ પણ કરી હતી કે, તમારી આસપાસ ક્યાંય પણ નશાની પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરો તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.


રાજકોટ ગ્રામ્ય પોલીસે 11 માસમાં 51 કેસ કરી 106 પેડરોને પકડી પાડ્યા

એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન ગ્રામ્ય પોલીસ દ્વારા એનડીપીએસ સંબંધીત કરવામાં આવેલી કામગીરીનો આંકડાકીય ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન ગ્રામ્ય પોલીસે એનડીપીએસના 51 કેસ કર્યા છે. જેમાં 106 આરોપીને ઝડપી લઇ 5.39 કરોડનો મુદામાં જપ્ત કર્યો છે. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન સીઆઇડીની દરખાસ્તો પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application