BREAKING NEWS

જામનગર : કાલાવડના ખેડુતો સાથે અંદાજે એક કરોડની ઠગાઇ

  • February 04, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડના સોરઠા ગામમાં રહેતા ખેડુત અને અન્ય ખેડુતની ખેતપેદાશોની ખરીદી કરી વિશ્ર્વાસમાં લઇ એ પછી પૈસા પરત નહીં આપીને કુલ ૯૬.૯૭ લાખની છેતરપીંડી કર્યાની કુંભનાથપરાના શખ્સ અને તપાસમાં જે ખુલે તેની સામે ફરીયાદ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


વિગત અનુસાર કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહેતા ખેતીકામ કરતા કુલદીપ ગોરધનભાઇ કોઠીયા (પટેલ) તથા અન્ય ખેડુતોની ખેતપેદાશના માલની ખરીદી આરોપીએ કરી હતી, જે માલ લઇ જઇને આરોપી દિલીપે પૈસા આપવાનો વિશ્ર્વાસ દીધો હતો, એ પછી પૈસા પરત નહી આપતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો. 


ખેડુતોની ખેતપેદાશ જેવી કે મગફળી ૬૦૭૩.૮ મણ, જેની કિ. ૮૪.૯૨.૨૦૪ તથા ૧૧૨ મણ તલ જેની કિ. ૫.૮૦.૩૯૭ તેમજ સફેદ ચણા ૩૭૪ મણ જેની કિ. ૬.૨૫ લાખ મળી કુલ ત્રણેય ખેતપેદાશના મળી કુલ કિ. ૯૬.૯૭.૬૦૧ની ફરીયાદી તેમજ અન્ય ખેડુતો સાથે છેતરપીંડી અને ઠગાઇ કરી આરોપી નાશી ગયો હતો. 
દરમ્યાનમાં આ બનાવ અંગે સોરઠા ગામમાં રહેતા કુલદીપભાઇ કોઠીયા દ્વારા કાલાવડના કુંભનાથપરામાં રહેતા દિલીપ નારદભાઇ સાવલીયા તથા તપાસમાં જે ખુલે તેની સામે ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબ ફરીયાદ નોંધાવતા ગ્રામ્ય પીઆઇ એન.વી. આંબલીયા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 
​​​​​​​

ખેડુતોની ખેત પેદાશોનો માલ ખરીદી વિશ્ર્વાસમાં લઇને પૈસા આપવામાં હાથ ઉંચા કરી દેતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો ગત તા. ૧૬-૧-૨૬થી આશરે ત્રણ મહિના પહેલાના સમયગાળામાં સોરઠા ગામે ફરીયાદીના ઘરે તેમજ વાડીએ બનાવ બન્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. હાલ ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન વધુ કેટલીક વિગતો સામે આવવાની શકયતાઓ સેવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application