દેવભુમી દ્વારકા જિલ્લાની મુલાકાતે આઇજી અશોકકુમાર યાદવ આવ્યા હતા અને વાર્ષિક ઇન્સ્પેકશનની પરેડ યોજવામાં આવી હતી, આ તકે એસપી સહિતના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે અને જિલ્લામાં ક્રાઇમ રેટમાં ઘટાડો થવા સાથે જિલ્લાનો દરેક નાગરીક કોઇપણ ભય વિના મુક્ત મને હરીફરી શકે, પોતાનો વેપાર ધંધો કરી શકે અને સાથો-સાથ દરેક નાગરીકો ભાઈચારાની ભાવના જળવાઈ રહે, તે માટે સક્રિય રીતે જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના તમામ સુપરવિઝન અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ખંભાળિયામાં સોમવારે અહીંના પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં ઇન્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસની ટીમ દ્વારા વિવિધ પરેડ યોજાઇ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૫ માં વિવિધ પ્રકારની પરીણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત રાજ્યની પશ્ચિમી સરહદે આવેલો છેવાડાનો જિલ્લો છે. દેશની દરિયાઈ આંતરરાષ્ટ્રીય સીમાએ અરબ સાગરમાં પાકિસ્તાન સાથે જોડાયેલ છે. જેમાં વાડીનાર જેટીથી શરૂ કરી હર્ષદ-ગાંધવી સુધી ૨૩૭ કી.મી.સુધીનો દરિયાકાંઠો ધરાવે છે. આ જિલ્લાની દરિયાઈ હદ વિસ્તારમાં કુલ ૨૩ જેટલા ટાપુઓ આવેલ છે, જે પૈકી ૨ ટાપુ ઉપર માનવ વસવાટ છે. જિલ્લામાં વિશ્વવિખ્યાત ભગવાન દ્વારકાધીશનું જગવિખ્યાત મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, બેટ દ્વારકા-હનુમાન દાંડી, હાથલા ખાતે શનીદેવનું જન્મ સ્થળ, જેવા પ્રખ્યાત ધાર્મીક સ્થળો, તેમજ બ્લુ-ફલેગ શિવરાજપુર બીચ, બરડા અભ્યારણ્ય, નવલખો મહેલ, ઘુમલી વિગેરે જોવાલાયક સ્થળો આવેલ છે. દેવભૂમિ દ્વારકાના કુલ ૪ તાલુકામાં કુલ ૧૧ પોલીસ સ્ટેશન અને ૬ આઉટ પોસ્ટ આવેલી છે.
જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ગંભીર પ્રકારના મિલ્કત સબંધી ગુનાઓમાં મુખ્યત્વે લુંટ અને ધાડના ગુનાઓ ૧૦૦%, ઘરફોડ ચોરીના ૮૧ %, વાહન સહીત અન્ય ચોરીના ૬૪ % ગુનાઓ શોધી કાઢી, મહતમ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે. શરીર સંબંધી ગુન્હાઓ જેવા કે હત્યા, હત્યાની કોશીષ, મહાવ્યથા, રાયોટીંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ત્વરીત શોધી કાઢી, તેઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લાનું યુવાધન નશાના વ્યસનથી દુર રહી જિલ્લાની પ્રગતિમાં સહભાગી બને અને નશાની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય, તે અંગે ગ્રાઉન્ડ લેવલથી પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વર્ષ દરમ્યાન પ્રોહીબીશનના કુલ ૫૯૩૨ ગુનાઓ નોંધાયા છે. આ જ રીતે જુગારની બદી દૂર કરવા અંગે કાર્યવાહી હાથ ધરી, જુગારધારાના કુલ ૪૨૬ ગુનાઓ શોધી કાઢેલ છે.
આ વર્ષે જિલ્લામાં હથિયારધારા હેઠળ કુલ ૧૦ કેસ અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ૧૨ કેસ કરવામાં આવ્યા છે. જિલ્લાની દરીયાઇ સરહદમાં ડ્રગ્સ, હેરોઇન જેવા માદક પદાર્થોની ઘુસણખોરી અટકાવવા દરીયાઇ પેટ્રોલીંગ કરી માદક પદાર્થનો મહતમ જથ્થો ગાંજો- ૧૫.૧૫૭ ગ્રામ, ચરસ- ૧૩.૭૪૦ ગ્રામ અને નશાયુકત કેપ્સુલ નંગ ૧૧૨૬ (૫૬૩ ગ્રામ)નો કુલ રૂ. ૬,૬૫,૩૧,૬૦૭ નો મુદ્દામાલ પકડી પાડી, અસરકારક કામગીરી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૫ માં જિલ્લાના મોસ્ટ વોન્ટેડ ઇનામીદાર સહીત નાસતા ફરતા કુલ ૧૫ આરોપીઓ અને અન્ય જિલ્લાના ૫ તેમજ પેરોલ જમ્પ કે વચગાળાના જામીનના ફરાર થયેલા ૩ કેદી મળી કુલ ૨૩ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના ઇનામ જાહેર કરે તમામ મોસ્ટ વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે.
જિલ્લાના કોઇપણ સામાન્ય બનાવને પ્રથમથી જ ડામી દેવા માટે ત્વરીત કાર્યવાહી હાથ ધરી ગુનાખોરી રોકવા માટે કુલ ૬૮૧૯ શખ્સો સામે અટકાયતી પગલાઓ લઇ, સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી નિયંત્રણમાં લેવામાં આવી છે. સાથે વારંવાર ગુનાઓ કરતા અસામાજીક તત્વોની અસામાજીક પ્રવૃતિ કરતા અટકાવવા માટે વર્ષ ૨૦૨૫ માં પાસાના ૨૯ (મંજુર- ૨૨) અને હદપારીની ૨૩ દરખાસ્ત કરી ગુન્હેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી જાળવવા ખુબ જ અસરકારક સાબીત થયેલ છે.જિલ્લામાં હથિયાર પરવાનેદારો દ્વારા કોઇ ગુન્હાઓ આચરેલ હોય, પરવાનેદારના કુંટુંબના સભ્યો વિરૂધ્ધ ગુનાઓ નોંધાયેલા હોય, એક જ કુંટુંબમાં એક કરતા વધારે પરવાનેદાર હોય, પોતાના હથિયાર પરવાના સમયસર રિન્યુ ન કરાવ્યા હોય તેવા આસામીઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તથા એસ.ડી.એમ. કચેરી સાથે સંકલન કરી, હથિયાર પરવાનાઓ રદ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા, મહામુલી માનવ જિંદગી બચાવવા જિલ્લામાં કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવનાર, ટ્રાફીક નિયમોનું વારંવાર ભંગ કરનાર, ભયજનક રીતે, વાહન ચલાવનાર, ઓવર સ્પીડમાં વાહનો ચલાવનાર ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફીક નિયમોના ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી, ટ્રાફીક ભંગ કરનાર ઇસમોને કુલ ૨૦૦૨૯ એન.સી. આપીને કુલ રૂ. ૯૬,૭૯,૮૫૦ નો દંડ વસુલવામાં આવ્યો છે. સાથે ૨૨૫૦ વાહનોને ડીટેઇન કરાયા છે.
રોડ અકસ્માતમાં માનવ જીંદગી બચાવવા અને માર્ગ અકસ્માત ઘટાડવા માટે ૧૨૨૮ લોકો સામે જુદી જુદી કલમ હેઠળ અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
રાજ્ય માર્ગ સુરક્ષા નિધિ યોજના અંતગર્ત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૭૬ બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તથા દ્વારા બોડી વોર્ન કેમેરાની મદદથી મહિલાઓની સુરક્ષાની સાથે-સાથ ટ્રાફીક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુન્હાની તપાસ, પોલીસ રેઇડ, અગત્યની ફરજ બંદોબસ્ત વિડીયો રેકોર્ડિંગ સાથે કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને દ્વારકા શહેરમાં સરકારશ્રી દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત ફેજ-૧ હેઠળ કુલ ૧૦૭ હાઇ ડેફીનેશન કવોલીટી સી.સી. ટી.વી. કેમેરા લગાવી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ખંભાળિયા અને દ્વારકા શહેરોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સી.સી. ટી.વી. કેમેરાના આધારે ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ અન્ય ગુનાઓ શોધી કાઢવામાં ઉપયોગી થયેલ. તેમજ ટ્રાફીક નિયમના ભંગ બદલ ઇ-ચલણ મેમોના કુલ ૮૩૫૭ માં કુલ રૂ. ૫૮,૦૨,૨૫૦ નો દંડ કરવામાં આવ્યો છે.

સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુક્તિ અપાવવા તેમજ આવી અસામાજિક પ્રવૃતિ કરતા વ્યકિતઓ ઉપર કાયદાનો અંકુશ રાખવા માટે ગેરકાયદેસર નાણા ધીરધાર પ્રવૃતિ કરતા વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં વ્યાજ-વટાવની અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા ૧૨ શખ્સો સામે નવ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
વર્તમાન ટેકનોલોજીના યુગમાં ડિજીટલ ક્રાઇમ એટલે કે સાયબર ક્રાઇમના ભોગ બનેલ સામાન્ય નાગરીકોની પરસેવાની કમાણીના નાણા પરત અપાવવા માટે હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ની મદદથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ આયોજન હાથ ધરી, નામદાર લગત કોર્ટ સાથે સંકલન કરી, વર્ષ ૨૦૨૫ દરમિયાન સાયબર ફ્રોડ હેઠળ કુલ ૩૯ ગુનાઓ, અરજીઓ કુલ ૧૨૮૪ અંગે કાર્યવાહી કરી, સાયબર ફ્રોડમાં ગયેલા રૂ. ૩૬,૭૧,૭૭૩ ની રિકવરી કરાવી, અનેક ભોગ બનનાર લોકોને નાણા પરત કરાવી, આવા ગુનાઓ ન બને તે અવાર-નવાર સાયબર અવેરનેશ અંગે જાગૃતી લાવવા અનેક કેમ્પ કરીને બહોળો પ્રચાર કરવામાં આવ્યો છે.
ડિમોલીશન અને અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી
જિલ્લામાં કુલ ૨૪૧ અસામાજીક તત્વો વિરૂધ્ધની કાર્યવાહી અંતર્ગત ૨૫ સ્થળોએ ડિમોલીશન કરીને ૩,૪૪,૭૦૭ ચોરસ ફુટ જમીનમાં, તેમજ ૮૦ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યા છે. સાથે આંતરરાષ્ટ્રીય દરીયાઇ સુરક્ષાના ધ્યાને લઇ બેટ દ્વારકા, ઓખા અને દ્વારકા ખાતે ૪૧૪ ગેરકાયદેસર રહેણાંક બાંધકામો, ૫૭ કોમર્શિયલ બાંધકામો અને ૨૨ ધાર્મીક બાંધકામો મળીને કુલ ૪૯૩ બાંધકામ કરેલા દબાણો ઉપર ડિમોલિશન અંગેની કાર્યવાહી કરીને ૧,૨૬,૯૨૮ ચો.મી. જમીન કે જેની બજાર કિંમત રૂ. ૭૧ કરોડ ૩ લાખ ૨૧ હજારની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
ગુજસીટોક એક્ટ હેઠળ ફરીયાદ
વર્ષ ૨૦૨૫ માં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન લુંટ, ખૂનની કોશીષ, મારામારી, રાયોટીંગ, ઘરફોડ ચોરીઓ, પોલીસ સાથે ઘર્ષણ મારામારી, પ્રોહિબીશન, જુગાર જેવા ૨૪ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી આંતક મચાવનાર સલાયાની કુખ્યાત મહાકાલ ગેંગ ટોળકી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ જ રીતે ગત વર્ષના સલાયા વિસ્તારની કુખ્યાત ચોર ગેંગ વિરૂદ્ધ પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી, ગુનાખોરી અટકાવવા સફળ પ્રયત્નો કરવામાં આવ્યા છે.