BREAKING NEWS

જામનગર : બે વર્ષથી ફોરેસ્ટર વિહોણા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં આખરે એક કર્મી મૂકાયા

  • January 22, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના વિશ્ર્વ વિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કે જે છેલ્લાં બેએક વર્ષથી ફોરેસ્ટર વીહોણું હોય આખરે એક કર્મચારીની ફોરેસ્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજીબેન માડમને પોશીત્રાને બદલે જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ દ્વારકા મરીશ નેશનલ પાર્ક પોશીત્રા રાઉન્ડમાં મંજૂર જગ્યા સામે બે વનપાલની નિમણૂંકથી આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉભા થયા હતાં. 


તાજેતરમાં રાજયના વનવિભાગ દ્રારા  ૪૩૦ બીટગાર્ડને ફોરેસ્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. જામનગરનું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કે જે રામસર સાઇટનો દરરજો ધરાવે છે અને વિશ્ર્વ વિખ્યાત છે, ખૂબજ મોટો વિસ્તાર ધરાવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં જુદી-જુદી પ્રજાતિઓના પક્ષીઓ આવતા મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે આ અભ્યારણ્ય સ્વર્ગ સમાન છે. આમ છતાં અભ્યારણ્યમાં છેલ્લાં બેએક વર્ષથી બે ફોરેસ્ટરની જગ્યા ખાલી પડી છે. નવાઇની વાત તો એ છે કે, તાજેતરમાં ૪૩૦ બીટગાર્ડને બઢતી આપી ફોરેસ્ટર બનાવામાં આવ્યા છે. પરંતુ આ અભ્યારણ્યમાં ખાલી પડેલી જગ્યા પર એક પણ ફોરેસ્ટરને ન મૂકાતા અનેક સવાલ ઉઠ્યા હતાં. ત્યારે આખરે ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં એક ફોરેસ્ટરની નીમણૂંક કરવામાં આવી છે.


જામનગર મરીન નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષક કચેરીના હુકમમાં જણાવ્યાનુસાર અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગરના હુકમ અનુસાર વનરક્ષક(ફોરેસ્ટ ગાર્ડ) આર.જે.વરૂને બઢતીથી પોશીત્રા રાઉન્ડ, મરીન નેશનલ પાર્ક, દ્રારકા ખાતે નિમણૂંક આપવામાં આવી છે. આટલું જ નહીં સંદર્ભ-૦૨ ના સુધારા હુકમ અનુસાર રાજીબેન કેસુરભાઇ માડમને પણ પોશીત્રા રાઉન્ડ, મરીન નેશનલ પાર્ક, દ્રારકા ખાતે નિમણૂંક આપવામાં આવી છે. મરીન નેશનલ પાર્ક, દ્રારકા  રેન્જ ખાતેની પોશીત્રા રાઉન્ડમાં મંજૂર જગ્યા સામે ઉપરોકત બે વનપાલની નિમણૂંક થઇ છે.


આથી આ બાબતે વહીવટી સરળતા અને જગ્યાની ઉપલબ્ધતાને ઘ્યાને લેતા રાજીબેન કેસુરભાઇ માડમને પોશીત્રાને બદલે ખીજડીયા રાઉન્ડ, પક્ષી અભ્યારણ્ય રેન્જ, ખીજડીયા ખાતે નિમણૂંક આપવામાં આવે છે. આમ આખરે ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં એક ફોરેસ્ટરની નિમણૂંક થઇ છેે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application