તબીબી જગતના પ્રતિષ્ઠિત મેગેઝિન 'દ લેન્સેટ' (The Lancet) માં પ્રકાશિત એક તાજેતરના વૈશ્વિક અહેવાલે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર, હાલમાં વિશ્વભરમાં અંદાજે ૭૮૮ થી ૮૪૪ મિલિયન પુખ્ત વયના લોકો ક્રોનિક કિડની ડિસીઝ (CKD) નો ભોગ બનેલા છે. જો આ જ ગતિ ચાલુ રહેશે, તો વર્ષ ૨૦૪૦ સુધીમાં આ બીમારી વૈશ્વિક સ્તરે મૃત્યુના મુખ્ય કારણોમાં પાંચમા ક્રમે પહોંચી શકે છે.
કેમ આ બીમારીને 'સાયલન્ટ કિલર' કહેવામાં આવે છે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે કિડનીની કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે, ત્યારે શરીર શરૂઆતના તબક્કામાં કોઈ સ્પષ્ટ કે બહાર દેખાતા સંકેતો આપતું નથી. આથી જ તેને 'સાયલન્ટ બીમારી' તરીકે ઓળખવામાં આવે છે. કિડની બગડવા પાછળ મુખ્યત્વે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું (મોટાપો) અને હૃદય રોગ જેવા કારણો જવાબદાર હોય છે. આ ઉપરાંત આજની અનિયમિત જીવનશૈલી અને ખોટો આહાર (વધુ પડતું મીઠું, ખાંડ કે હાઈ-પ્રોટીન ડાયેટ) કિડની પર વધારાનું દબાણ લાવે છે.
આ ૭ પ્રારંભિક ચેતવણીરૂપ લક્ષણોને ઓળખોકિડનીના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો શરીરમાં નીચે મુજબના કોઈ પણ લક્ષણો સતત જોવા મળે, તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ:
૧. શરીરમાં સોજા:- હાથ, પગ અથવા આંખોની આસપાસ સતત સોજા આવવા.
૨. પેશાબમાં ફેરફાર:- પેશાબ થવાના પ્રમાણમાં કે સમયમાં અચાનક બદલાવ આવવો.
૩. ઝીણ વાળો પેશાબ:- પેશાબ કરતી વખતે તેમાં સામાન્ય કરતા વધુ ફીણ દેખાવું.
૪. અતિશય થાક:- પૂરતો આરામ કરવા છતાં શરીરમાં સતત થાક અને અશક્તિ વર્તાવી.
૫. ભૂખ ન લાગવી:- ખોરાક લેવાની ઈચ્છા ઓછી થઈ જવી અથવા ભૂખ મરી જવી.
૬. મોઢાનો સ્વાદ બગડવો:- મોંમાં સતત કોઈ ધાતુ (મેટાલિક) જેવો સ્વાદ અનુભવાવો.
૭. સ્નાયુઓમાં ખેંચાણ:- ખાસ કરીને રાત્રિના સમયે સ્નાયુઓ અચાનક જકડાઈ જવા કે કળતર થવી.
તબીબી અસ્વીકરણ
આ સમાચાર અહેવાલ માત્ર સામાન્ય શૈક્ષણિક માહિતી અને સંશોધન અભ્યાસો પર આધારિત છે. તેને કોઈ પણ પ્રકારે વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ ન ગણવો. જો તમને ઉપર દર્શાવેલા લક્ષણોમાંથી કોઈ પણ તકલીફ હોય, તો સ્વ-દવા કરવાને બદલે તાત્કાલિક કોઈ લાયકાત ધરાવતા ડૉક્ટર, નેફ્રોલોજિસ્ટ (કિડની નિષ્ણાત) અથવા ફિઝિશિયનની સલાહ અચૂક લેવી.