માણાવદરના મહાદેવિયા રોડ પર આવેલી શૈશવ સ્કૂલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાગ્રંગણમાં યોજાયેલા આ પર્વની ઉજવણીમાં ભૂલકાંઓથી લઈને શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નાના-નાના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા સજીને કૃષ્ણ ભગવાનની ભક્તિભાવ સાથે આરતી ઉતારી હતી. આ અવસરે શાળાનું વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું હતું અને ઉપસ્થિત સૌ કોઈ ભક્તિરસમાં તરબોળ થયા હતા. આરતી બાદ બાળકોએ રાસની રમઝટ બોલાવી હતી, જેમાં રંગબેરંગી પારંપરિક પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ મન મૂકીને નૃત્ય કર્યું હતું. બાળગોપાલના અંદાજમાં સજ્જ વિદ્યાર્થીઓના ઉત્સાહે ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓનું મન મોહી લીધું હતું. ઉજવણીના અંતિમ ચરણમાં ઉત્સાહ અને રોમાંચથી ભરપૂર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભારે જોશ અને ઉમંગ સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ સંજય પનારા અને સંચાલક ઉમેશ ફુલેત્રાએ ભારે જહેમત ઉઠાવી હતી