ગોંડલ ચોકડી પાસે રહેતા અને કુવાડવા રોડ પર આવેલ ક્રિષ્ના વોટરપાર્કના સંચાલક હરિભાઈ પટેલ ફરીવાર વિવાદમાં આવ્યા છે. હરિભાઇએ તેમના સગા ભાઈ સુરેશભાઈ કણસાગરાને માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલેથી તેમણે ગંભીર આક્ષેપો કરતા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
હાજર મહેમાનો વચ્ચે પડ્યા ને સુરેશભાઈને હોસ્પિટલ ખસેડ્યા
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ રાજકોટના અને હાલ અમદાવાદ રહેતા સુરેશભાઈ કણસાગરાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓએ બનાવ અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના તેઓના ભાણેજની પુત્રીના લગ્ન પ્રસંગ હોય જેથી સાતેક વાગ્યે તેઓ ગોંડલ ચોકડી પાસે આવેલ ક્રિષ્ના વોટરપાર્કમાં પરિવાર સાથે ગયેલ હતા. ત્યારે અચાનક જ ક્રિષ્ના વોટરપાર્કના સંચાલક અને તેમના સગાભાઈ હરિભાઈ પટેલ પણ તેમની પાસે આવી બેફામ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. હરિભાઈ પટેલે કહ્યું હતું કે, તમે કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચી લેજો નહીંતર તને અને તારા પરિવારને હું જાનથી મારી નાખીશ. જે બાદ ત્યાં હાજર મહેમાનો વચ્ચે પડ્યા હતા અને તુરંત સુરેશભાઈને ઇજાગ્રત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હરિભાઈ ઘણા સમયથી તેમના માણસો મોકલી ધમકીઓ આપતા રહે છે
વધુમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, તેમને ભાઇ સાથે પારિવારિક મિલકત મામલે વિવાદ ચાલી રહ્યો છે. કુવાડવા રોડ પર આવેલ રિસોર્ટમાં સુરેશભાઈના પુત્રની સૌંદર્ય પ્રસાધનની કંપની આવેલ છે, જે બંધ કરાવવા માટે હરિભાઈ ઘણા સમયથી તેમના માણસો મોકલી ધમકીઓ આપતા રહે છે. જે મામલે થોડા દિવસો પહેલા કંપનીના મેનેજરે હરિભાઈ અને તેમના માણસો વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પાછી ખેંચી લેવામાં હરિભાઈ આ મારામારી કર્યાનું પણ સામે આવ્યું છે. આ અંગે પોલીસે સુરેશભાઇનું નિવેદન નોંધી તેના આધારે તપાસ આગળ ધપાવી છે.