કુવાડવા રોડ પર આવેલ ક્રિષ્ના વોટરપાર્કવાળા હરીભાઇ કણસાગરાએ વોટરપાર્કની અંદર જ ભત્રીજા જય કણસાગરાની સૌંદર્ય પ્રસાધનની કંપની ખાલી કરાવવા મળતીયાઓ સાથે મળી અવારનવાર મેનેજરને ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે
કુવાડવા ગામમાં રહેતાં મૂળ મહારાષ્ટ્રના વતની કુંદનભાઇ રામદાસ ગાયકવાડ (ઉ.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ક્રિષ્ના વોટરપાર્ક વાળા હરિભાઈ ગોવિંદભાઇ કણસાગરા તેમજ નિલેશ માથુર, ગોપી અને છગનભાઇ નામના શખસોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી અહીં રહે છે અને રાજકોટ અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ કુવાડવા ગામ પાસે આવેલ ક્રિષ્ના વોટર પાર્ક અંદર આવેલ હર્બ એલીમેન્ટસ નેચરોસ્યુટીકલ કંપનીમાં પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે.
કંપનીમાં આશરે પચાસ જેટલા માણસો કામ કરે છે
કંપનીના તમામ પ્રકારના કામકાજ તે સંભાળે છે. કંપનીના માલીક જયભાઈ સુરેશભાઈ કણસાગરા છે. કંપનીમાં આશરે પચાસ જેટલા માણસો કામ કરે છે. આ કંપનીમાં તેઓ સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરે છે. ગઇ તા.28/02 ના રોજ ક્રિષ્ના વોટરપાર્કના રીસેપ્શનના ફોન પરથી હર્બ એલીમેન્ટસ કંપનીના એડમીન વિભાગમાં કામ કરતા રવીભાઈ ભેસદડીયાએ ફોન કરી કહ્યું હતું કે, તમારી કંપની બંધ કરી દેજો નહીંતર તમારા શેઠ સહિત તમારા તમામ લોકોના સરનામા વિખાઇ જશે તેવી ધમકી આપી હતી. જેથી આ રવીભાઇએ આ બાબતે જાણ કરતાં આ વાત શેઠ જયભાઇને કહેલ જેથી તેઓએ કહેલ કે, હરીભાઇ મારા મોટા બાપુજી છે, અને તે અમારો પરીવાર જ છે તેવી વાત કરેલ હતી.
તું આજ બચી ગયેલ તેમ કહીને ત્યાંથી જતા રહેલ હતા
બાદમાં ગઇ તા.02/03/2025 ના સવારના સમયે ફરીયાદી હર્બ એલીમેન્ટસ નેચરોસ્યુટીકલ કંપનીએ હતો ત્યારે હરીભાઈ કણસાગરા તથા બે અજાણ્યા માણસો આવેલ અને તેઓએ તારો શેઠ કયાં છે તેમ પૂછી આ કંપનીને તાળા મારી દેવા છે અને તારો શેઠ નથી એટલે તું આજ બચી ગયેલ તેમ કહીને ત્યાંથી જતા રહેલ હતા. બાદ ગઇ તા.06/05/2025 ના સાંજના સમયે ફરીયાદી કંપનીએ હતો ત્યારે હરીભાઈ, ગોપીભાઇ, કીર્તી એન્જીનીયરીંગ વાળા રમેશભાઈ શેરઠીયા આવેલ અને હરીભાઈએ કંપનીના ઓફીસ સ્ટાફને ભેગો કરી કંપનીમાં જઈને બધાનો ગેરકાયદેસર વિડીયો ઉતારેલ અને ફોટા પાડી કહેલ કે, આ કંપનીના જે ડોકયુમેન્ટ હોય તે મને તા.09/05/2025 સુધીમાં આપી દેજો અને નહીં આપ તો હું કંપનીએ આવીને તાળુ મારી દઈશ અને તેમ કહીને ત્યાંથી જતા રહેલ હતા.
આપણે કાંઈ ફરીયાદ કરવી નથી
જે વાતની તેઓએ શેઠ જયભાઈને વાત કરતા તેને જણાવેલ કે, આપણે કાંઈ ફરીયાદ કરવી નથી. ત્યારબાદ ગઇ તા.05/06/2025 ના સાંજના સમયે તે કંપનીએ હતો ત્યારે હરીભાઇ, નીલેશ માથુર, ગોપી તથા છગનભાઈ વરૂ ગેરકાયદેસર ઘસી આવેલ અને કહેલ કે, હજી કંપની કેમ બંધ કરી નથી અને હવે કંપની બંઘ કરવી જ પડશે કહી ધમકાવેલ અને કંપનીના બધા ડોકયુમેન્ટ તથા ભાડા કરાર માંગેલ જેથી ઓફીસમાંથી ડોક્યુમેન્ટને બધુ આપેલ અને આ કંપની બંધ કરી દેજો તેમ કહી બહાર જતા હાથાપાઈ કરી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ હતો. તેમજ તેની સાથેના માણસો પણ ગાળા ગાળી કરવા લાગેલ હતા. તેમજ હીરભાઈએ ગાળો આપી કહેલ કે, હવે પછી તું આ કંપીનમાં દેખાણો તો, હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી મારી જતા રહેલ હતા. જેથી અંતે આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.