ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. આ કેસમાં પુર્વ ધારાસભ્ય મહિપતસિંહ નાં પૌત્ર તથા નાસતા ફરતા મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને રાજકોટ ગ્રામ્ય LCB ટીમે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૩ ઓક્ટોબરની રાત્રે ૧૦:૩૦ થી ૧૦:૪૫ વાગ્યાના સુમારે સડક-પીપળીયા ગામની સીમમાં આ દિલધડક ઘટના બની હતી. ખેતરમાં બકરાઓ દ્વારા પાકને નુકસાન થવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો. આ તકે ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા લાકડીઓ અને લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, વિસ્તારમાં દહેશત ફેલાવવાના હેતુથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હોવાનો આક્ષેપ છે.બનાવની ગંભીરતા જોતાં ગોંડલ તાલુકા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય LCB ટીમ ત્વરિત એક્શનમાં આવી હતી. પોલીસે અગાઉ કડક કાર્યવાહી કરીને ચાર આરોપીઓ—કરણ સુનિયા બામણીયા (રહે. વરજર, ભાભરા, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે. શાપર-વેરાવળ), સમીર કાસમ વિસળ (રહે. હડમતીયા, ભેસાણ, જૂનાગઢ) અને એક બાળ આરોપી સહિતના શખ્સોને દબોચી લીધા હતા.
ગુનાની વાસ્તવિકતા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસે પકડાયેલા આરોપીઓને સડક-પીપળીયા ગામની સીમમાં ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું ઝીણવટપૂર્વક રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં કોણે ક્યાંથી હુમલો કર્યો અને કઈ રીતે ફાયરિંગ થયું તેની કડીઓ મેળવવામાં આવી હતી.આ પ્રકરણમાં અગાઉ પકડવાના બાકી રહેલા આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. રીબડા) અંગે રાજકોટ ગ્રામ્ય LCB ટીમને ખાનગી હકીકત મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગઈ કાલે તેને રીબડા ખાતે આવેલી તેની વાડીએથી ઝડપી પાડી કાયદેસરની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સો અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application