ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે અલગ અલગ બે જગ્યાએ દેશી દારૂ અંગે એલસીબીએ દરોડા પાડયા હતા, જેમાં એક શખ્સ નાશી ગયો હતો અને એકને પકડી લીધો હતો. બંને દરોડામાં ૩૬૦ લીટર દારૂ, ૧૫૫૦ લીટર આથો મળી કુલ ૧.૧૨ લાખનો મુદામાલ કબ્જે લેવાયો હતો.
રેન્જ આઇજ અશોકકુમાર યાદવ તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ જીલ્લામાં ગેરકાયદે પ્રોહીબીશનની બદી સાથે સંકળાયેલ ઇસમો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલના વડપણ હેઠળ પીએસઆઇ દેવમુરારી, સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એએસઆઇ સજુભા જાડેજાને સંયુકત બાતમી મળેલ કે ભાડથર ગામના ખાટલાધાર વિસ્તારમાં રહેતા પુંજા ધના અવસુરાએ પોતાની વાડીએ આવેલ રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવી તેનુ ગેરકાયદે વેચાણ કરે છે જે હકીકત આધારે રેઇડ કરતા પુંજા ધના અવસુરા રહે. ભાડથર ગામ, ખાટલાધાર વાડી વિસ્તાર ખંભાળીયાવાળાને ત્યાં રેઇડ પાડીને ૨૩૦ લીટર દેશી દારૂ કિ. ૪૬ હજાર તેમજ દારૂ બનાવવાનો ૧૫૫૦ લીટર કાચો આથો અને ભઠ્ઠીમાં ઉપયોગ લીધેલા સાધનો મળી કુલ ૮૬.૮૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, રેઇડ દરમ્યાન પુંજા અવસુરા ફરાર થઇ ગયો હતો.
દરમ્યાન હેડ કોન્સ સહદેવસિંહ તથા લાખાભાઇને સંયુકત રીતે મળેલી બાતમીના આધારે ભાડથર ખાટલાધાર વિસ્તારમાં રહેતા હરજુગ નાગશી અવસુરા વાડીએ આવેલ મકાને દેશી દારૂનો જથ્થો રાખીને જથ્થાબંધ વેચાણ કરે છે જેના આધારે રેઇડ કરી હરજુગને પકડી પાડી ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, તેની પાસેથી ૧૩૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, બંને કેસમાં કુલ ૩૬૦ લીટર દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ ૧.૧૨.૮૫૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.