વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 31 ઓગસ્ટની મોડી રાત્રે એક અત્યંત જોખમી માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક સ્પીડમાં આવી રહેલા ટ્રેલર અને એલપીજી (LPG) ગેસથી ભરેલા ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ગેસ ભરેલું ટેન્કર હાઈવે પર જ પલટી મારી ગયું હતું. 'જીવતા બોમ્બ' સમાન ગેસ ટેન્કર પલટી જતાં ઘટનાસ્થળે ભારે આફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે હેતુથી સુરક્ષા કારણોસર રાત્રિના સમયે જ એક્સપ્રેસ વે પર વાહનવ્યવહારને વન-વે કરી દેવામાં આવ્યો હતો.
12 કલાકથી વધુ સમય વીતવા છતાં ટેન્કર ન હટાવાતા વાહનોની લાંબી લાઈનો
અકસ્માતના કલાકો વીતી ગયા હોવા છતાં સંબંધિત કંપની દ્વારા આ જોખમી ગેસ ટેન્કરને હટાવવાની કામગીરીમાં ભારે બેદરકારી જોવા મળી હતી. અકસ્માતના 12 કલાકથી પણ વધુ સમયનો ગાળો વિતી ગયા છતાં જીવતા બોમ્બ સમાન આ ટેન્કર હાઈવે પર જ પડી રહ્યું હતું, જેના કારણે એક્સપ્રેસ વે પર વાહનોના ચક્કાજામ અને લાંબી લાઈનો લાગી ગઈ હતી. હાઈવે પર સર્જાયેલા આ ટ્રાફિક જામ અને પલટી ગયેલા ટેન્કરના આકાશી દ્રશ્યો દર્શાવતો એક ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વાહનોની કતારો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ખડેપગે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે જેવા મહત્વના માર્ગ પર ગેસ ગળતર (Gas Leakage) કે આગ લાગવા જેવી કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા સમજીને પલટી ગયેલા ટેન્કરને સુરક્ષિત રાખવા માટે ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખ્યા હતા. આ સાથે જ પોલીસ કાફલાએ પણ વાહનવ્યવહાર નિયંત્રિત કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી હતી.
ગેસ ટ્રાન્સફર અને કૂલિંગ પ્રોસેસ શરૂ
આ સમગ્ર દુર્ઘટના અંગે ગેસ કંપનીને તાકીદે જાણ કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓ અનુસાર, પલટી ગયેલા ટેન્કરમાંથી એલપીજી ગેસને અન્ય સુરક્ષિત ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની ટેકનિકલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટના વગર ગેસ ટ્રાન્સફરની કામગીરી પાર પડે તે માટે કરજણ ફાયર વિભાગ દ્વારા ટેન્કર પર સતત વોટર કૂલિંગ (Cooling Process) કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, અન્ય ટેન્કરમાં ગેસ ઠાલવવાની કાર્યવાહી સાથે જ ક્રેનની મદદથી પલટી ગયેલા ટેન્કરને માર્ગ પરથી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.