રાજકોટના વોર્ડ નં.૭માં આવેલી રાજાશાહી વખતનું લાખાજીરાજ શાક માર્કેટ બિલ્ડિંગ જર્જરીત અને ભયગ્રસ્ત થયું હોવાનું કહીં ચોમાસામાં આ બિલ્ડિંગના થડા ધારકોને થડા ખાલી કરવા નોટિસો આપી સમગ્ર માર્કેટ બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. ત્યારબાદ અહીં નવું માર્કેટ બિલ્ડિંગ બનાવવા વિચારણા કર્યા બાદ તે આયોજન રદ્દ કરીને માર્કેટનું સમારકામ કરાયું હતું, ત્યારબાદ થડા ધારકો લગાતાર ત્યાં આગળ ધંધો કરવા માટેની મંજૂરી આપવા રજૂઆતો કરી રહ્યા હતા, જ્યારે આજરોજ મેયર ડો.નેહલ શુક્લએ આ માટે સાઇટ વિઝિટ કર્યા બાદ મંજૂરી આપતા ધંધાર્થીઓએ પદાધિકારીઓના હારતોરા કરીને મોં મીઠા કરાવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને લાખાજીરાજ શાક માર્કેટના વેપારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાને લઈ લાખાજીરાજ માર્કેટ ખાતે ટેમ્પરરી સમારકામની કામગીરી કરાવવામાં આવી હતી. દરમિયાન આજે સવારે ૧૧ કલાકે મેયર ડૉ.નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા તથા માર્કેટ સમિતિના ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિ.અધિકારીઓ અને ઇજનેરોની ઉપસ્થિતિમાં માર્કેટની વેપારીઓને સોંપણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓને વેપાર-ધંધો કરવામાં સુગમતા રહે અને તેઓ તહેવાર સારી રીતે ઉજવી શકે તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ લાખાજીરાજ શાકમાર્કેટ બિલ્ડિંગના જર્જરીત ન હોય તેવા હિસ્સાના થડાની સોંપણી કરાઇ છે. કાલથી ધંધાર્થીઓ ત્યાં બેસીને રાબેતા મુજબ વેપાર ધંધા કરી શકશે. હાલ બે દરવાજા ખુલશે અને બાકીના હિસ્સામાં પતરાનું બેરીકેડિંગ રહેશે જે આગામી દિવસોમાં રિપેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application