BREAKING NEWS

સાતમ-આઠમના સેલાબમાં રાજકોટના લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે

  • September 03, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા વિરાસતથી વિકાસ લોકમેળાનો આજે બીજો દિવસ છે. જન્માષ્ટમી પર્વના સાતમના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડવાની શક્યતા છે. પ્રથમ દિવસની સરખામણીએ આજે મેળામાં વધુ ભીડ રહેવાની તંત્રને ધારણા છે. તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં આજે સાંજથી રોનક વધુ જામવાની છે. તેમજ આવતીકાલે આઠમનો મુખ્ય દિવસ હોવાથી રેકર્ડબ્રેક લોકો ઉમટી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.

લોકમેળાનું સૌથી મોટું આકર્ષણ ગણાતી યાંત્રિક રાઇડ્સને લઈને પણ આજે મહત્વનો દિવસ બની શકે છે. કુલ ૩૪ યાંત્રિક રાઇડ્સ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને રાઇડ સંચાલકોને લાયસન્સ આપવા માટે તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જોકે, રાઇડ્સ શરૂ કરતા પહેલાં સલામતીના તમામ માપદંડોનું પાલન કરાવવાની તંત્રની સ્પષ્ટતા છે. રાઇડસની ટેકનિકલ સ્થિતિ, માળખાકીય મજબૂતી સહિતના વિવિધ પાસાંની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે. પ્રથમ દિવસે મોટી યાંત્રિક રાઇડ્સનો રોમાંચ માણવા લોકોને રાહ જોવી પડી હતી. ત્યારે ગત રાત્રિના રોજ ૬ જેટલી રાઇડ્સને મંજૂરી આપી દીધા બાદ આજે રાઇડ્સ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. રાઇડ્સ શરૂ થાય તો મેળામાં આવનારા પરિવારજનો અને ખાસ કરીને યુવાનો તથા બાળકોમાં ઉત્સાહમાં વધારો થશે. સાતમ આઠમના દિવસે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવવામાં આવી છે. મેળા પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા, વોચ ટાવર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે સાંજ પડતાં જ રેસકોર્સ મેદાન લોકોના મહેરામણથી ઉભરાય તેવી શક્યતા છે. ખાણીપીણી, રમકડાં, ચકરડીઓ અને વિવિધ સ્ટોલની સાથે મોટી યાંત્રિક રાઇડ્સ શરૂ થશે કે નહીં, તેના પર પણ મેળામાં આવનારા લોકોની નજર મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application