BREAKING NEWS

કાંગશિયાળીની સીમમાં ટોયોટાના શોરૂમમાંથી ૭.૪૫ લાખની ચોરી

  • October 18, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દિવાળીના તહેવારો નજીક આવતા તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ રાજકોટની ભાગોળે કાંગશિયાળીની સીમમાં આવેલા ટોયોટાના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા અહીં ઓફિસમાં તિજોરી તોડી રોકડ રૂપિયા 7.45 લાખની ચોરી કરી ગયા હતાં. સીસીટીવી ફૂટેજ ચકાસતા મોડી રાત્રીના ત્રણ બુકાનીધારી શખસોએ ચોરીના આ બનાવને અંજામ આપ્યો હોવાનું ફૂટેજમાં દેખાયું હતું. શાપર વેરાવળ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ગુરુજન સોસાયટી શેરી નંબર 5 કોઠારીયા મેઇન રોડ આનંદનગર પાસે રહેતા કેતનભાઇ જીતુભાઈ અમીપરા (ઉ.વ 43) દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી કાંગશિયાળીની સીમમાં નેશનલ હાઈવે પર આવેલ ઇન્ફીનીયમ ટોયેટા શોરૂમમાં સર્વિસ મેનેજર તરીકે નોકરી કરે છે. શોરૂમના માલિક અજીતભાઈ મહેતા (રહે. અમદાવાદ) છે. શો રૂમમાં કુલ 107 કર્મચારીઓ કામ કરે છે.

ગઇ તા. 16/10 ના રાત્રીના પોણા આઠેક વાગ્યા આસપાસ ફરિયાદી નોકરી પૂરી કરી ઘરે ગયા બાદ ગઈકાલે સવારે નવ વાગ્યા આસપાસ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે શોરૂમના જનરલ મેનેજર હાર્દિકભાઈ દવેનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, શો રૂમમાં ચોરી થઈ છે અને રોકડ રૂપિયા રાખવાની તિજોરી તૂટેલી છે જેથી ફરિયાદી તુરંત અહીં શો રૂમે પહોંચ્યા હતા અહીં કર્મચારી રવિભાઈ મારસુણીયા, વિનયભાઈ કાલરીયા, ચિરાગભાઈ પરમાર વગેરે આવી ગયા હતા અને અહિં જોતા સીઆરએમ ઓફિસનો દરવાજો તૂટેલો હતો અને કેશિયર ઓફિસમાંથી રોકડ રૂપિયા રાખવાની તિજોરી બહાર કાઢી હતી જે તૂટેલી હાલતમાં જનરલ મેનેજરની ઓફિસ પાસે પડી હતી.

કેશીયર હિતેશભાઈ હડિયલ પણ અહીં આવી ગયા હતા તેમને પૂછતા જણાવ્યું હતું કે, રાત્રિના તિજોરીમાં રોકડ રૂપિયા 7.45 લાખ મૂક્યા હતા જે રોકડ રકમ જોવા મળી નથી. જેથી તે ચોરી થઈ ગયા અને માલુમ પડ્યું હતું. શોરૂમના માલિકને આ બાબતે જાણ કરી હતી. શો રૂમના સીસીટીવી ફૂટેજ જોતા રાત્રીના ૨:૧૦ વાગ્યાથી ૩:૪૦ વાગ્યા દરમિયાન ત્રણ શખસો મોઢે બૂકાની બાંધી શોરૂમમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યાનું નજરે પડ્યું હતું. આમ રાત્રિના ત્રણ બુકાનીધારી શખસોએ અહીં ટોયેટાના શોરૂમમાં આવી કેશિયર ઓફિસની તિજોરી તોડી તેમાંથી રોકડ રૂપિયા 7.45 લાખની ચોરી કરી ગયા અંગે શોરૂમના સર્વિસ મેનેજર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવતા શાપર પોલીસે આ અંગે ગુનો નોંધી તસ્કર ટોળકીના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.



કાંગશિયાળી નજીક નિમાર્ણાધિન હોસ્પિટલમાંથી કોપર વાયરની ચોરી

રાજકોટમાં કલ્યાણ પાર્ક શેરી નંબર ૨ નાનામાંવા રોડ શાસ્ત્રીનગર પાસે રહેતા ભરતકુમાર કાનજીભાઈ કોયાણીએ શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે તથા તેમનો પુત્ર ડોક્ટર હિમાંશુ કાંગશિયાળી ગામની સીમમાં આવેલ ન્યારા પંપની સામે રાધે હોટલ વાળી શેરીમાં નવી નવી હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે તેની દેખરેખ ફરિયાદી રાખે છે. ગઈ તારીખ 14/10 ના બપોરના ફરિયાદી તથા તેમના પત્ની અહીં નિર્માણધિન હોસ્પિટલે ગયા હતા ત્યારે ઈલેક્ટ્રીક રૂમનું તાળું તુટેલું હતું. રૂમમાં પાવર સપ્લાયની પેનલ લગાડી હોય જે પેનલ બોક્સમાં જોતા તેમાં કેટલાક કોપર વાયરો તથા ઈલેક્ટ્રીકની વસ્તુઓ તૂટેલી હતી જેથી પેનલ બોક્સમાંથી કોપર વાયરની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બિલ્ડીંગમાં રાખેલ સીસીટીવી ફૂટેજ જોતા તા.2/8/2025 ના રાત્રીના 12:30 વાગ્યા આસપાસ બે અજાણ્યા શખસો અહીં બિલ્ડીંગમાં પ્રવેશી ચોરી કરતા હોવાનું નજરે પડ્યું હતું જે અંગે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News