BREAKING NEWS

100 કરોડની જમીન ડેપ્યુટી સીએમના હસ્તે પરત અપાશે, અલ્પેશ દોંગાએ પચાવી પાડેલી જમીન ખેડૂતોને પાછી મળશે

  • October 14, 2026 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે નવનિર્મિત ડીવાયએસપી કચેરીના લોકાર્પણ વેળાએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભૂમાફિયા અલ્પેશ ઢોંગાની ગેંગમાં ભોગ બનેલા ૪૦થી વધુ ખેડૂતોની પ૦૦ વિઘા જમીનોના દસ્તાવેજો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેડૂતોને પરત અપાશે. તેમજ સમગ્ર ગુજરાતમાં ક્વોલીટી મેનેજમેન્ટનો એવોર્ડ રાજકોટ જિલ્લા પોલીસ ફર્સ્ટ નંબરે આવતા આઈએસઓ પ્રમાણિત સર્ટિફિકેટ જિલ્લા પોલીસવડાને એનાયત કરવામાં આવનાર છે.   


આ અંગે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ ઢોંગા અને તેની ગેંગ દ્વારા જમીનો પડાવી લેવા અને ખેડૂતોને હેરાનગતિ કરવાના અનેક ગુનાઓ નોંધાયા છે. જેમાં ૪૦થી વધુ ખેડૂતો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ગેંગના આરોપી સામે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસની સઘન તપાસ અને કાનૂની પ્રક્રિયામાં અલ્પેશ ઢોંગા ગેંગનો ભોગ બનેલા ૪૦ થી વધુ ખેડૂતોની પ૦૦ વિઘા જમીન ગેરકાયદે રીતે પડાવી લેવાયેલી હતી. છેલ્લા ૧૫ દિવસથી ભોગ બનેલ ખેડૂતોના દસ્તાવેજ રદ કરવાની કાર્યવાહી ચાલુ હતી અને ૪૦થી વધુ ખેડૂતોની પચાવી પાડેલ જમીનોના દસ્તાવેજ જે તે સબ રજીસ્ટ્રાર કચેરીમાં રદ કરાવી નાખવામાં આવ્યા છે.   


આવતીકાલે શાપર-વેરાવળ ખાતે નવનિર્મિત ડીવાયએસપી કચેરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખેડૂતોને દસ્તાવેજ પરત આપવામાં આવશે. ખેડૂતોની આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧૦૦ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, શાખાઓ, કચેરીઓને આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર એનાયત કરશે.   


નોંધનીય છે કે, આ સર્ટિફિકેટથી પ્રમાણિત હોય તેવો રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ જિલ્લો છે. આ પ્રમાણપત્ર રાજકોટ જિલ્લા પોલીસના કામકાજની ગુણવત્તા, સ્વચ્છતા, રેકોર્ડ મેનેજમેન્ટ, પારદર્શિતાને દર્શાવે છે. આ તકે લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ પ્રેરણા નવા જીવનનીના અહેવાલનું પણ વિમોચન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલ અંતર્ગત ૩૦૦ જેટલા લોકોનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોમાંથી મુક્ત કરાવીને જીવન જીવવાની નવી પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application