BREAKING NEWS

નેપાળના બાગલુંગમાં પહાડ ધસી પડતાં ભયાનક ભૂસ્ખલન: 10 લોકોના કરુણ મોત, અનેક મકાનો કાટમાળમાં દબાયા

  • September 28, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળના બાગલુંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે ભયાનક ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) ની ઘટના સામે આવી છે. જોતજોતામાં પહાડનો એક મોટો ભાગ ધસી પડતાં આશરે 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે 1 વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ આફતમાં અનેક ઘરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને કેટલાંક મકાનો પાણી તથા માટીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયાં હતાં. આ ઘટનાનો એક હૃદયકંપાવનારો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં માત્ર થોડી જ સેકન્ડોમાં આખો પહાડ નીચે તરફ ધસી આવતો દેખાય છે.

સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી મળતી વિગતો મુજબ, તમનખોલા ગ્રામીણ નગરપાલિકા વિસ્તારમાં ભૂસ્ખલનની લપેટમાં આવવાથી 4 લોકોના મોત થયા છે અને 1 મહિલા ગુમ છે. અહીં ધરણસુખ ગામમાં 80 વર્ષીય બુદ્ધિરાજ ઘર્તી અને 66 વર્ષીય ભીમદેવી ઘર્તીનું ઘર દબાઈ જવાથી મોત થયું હતું, જ્યારે સંતાર ગામમાં 50 વર્ષના હસ્તાબીર શ્રીપાલી અને 65 વર્ષના ઉદિસારા શ્રીપાલીનું કરુણ મોત થયું હતું. આ વિસ્તારમાં 8 ઘરો સંપૂર્ણપણે તણાઈ ગયાં છે.


બીજી તરફ, નિસીખોલા ગ્રામીણ નગરપાલિકાના જુગજાખોલા વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. મૃતકોમાં 36 વર્ષીય શ્યામકુમારી બીકે, તેમના 13 વર્ષીય પુત્ર મનોજ, 8 વર્ષીય પુત્ર મુકેશ અને 3 વર્ષીય પુત્ર નિશાન બીકેનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં ગૌશાળા અને મકાન ધસી પડવાથી વધુ 2 લોકોના મોત નીપજ્યાં હતાં.


​​​​​​​નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી સરક્યુલેશન સિસ્ટમના કારણે 24 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર નેપાળમાં ભારે વરસાદ થયો છે. પૂર અને ભૂસ્ખલનના કારણે દેશભરમાં કુલ 21 લોકોના મોત થયા છે, 260 થી વધુ ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને 247 થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. હાલમાં સુરક્ષા દળો અને ઈમરજન્સી ટીમો દ્વારા હાઈ-રિસ્ક વિસ્તારોમાંથી આશરે 3000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application