BREAKING NEWS

જામનગર શહેરમાં વિજ ચોરી પકડવા મોટા પાયે દરોડા

  • January 02, 2026 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્રમાં લગભગ સૌથી વધુ જામનગર શહેર-જિલ્લા અને દેવભૂમિ દ્વારકામાં વિજ ચોરી પકડવા માટે દરોડા પાડવામાં આવે છે, થોડા દિવસની શાંતિ બાદ ફરી એક વખત પીજીવીસીએલની ચેકીંગ સ્કવોડ દ્વારા આજ સવારથી શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઘોષ બોલાવીને વિજ ચોરી પકડવા દરોડા પાડવામાં આવતાં ઠંડી વધતાની સાથે મીઠી નીંદર માણી રહેલા લોકોને વિજ ચેકીંગના આંચકા લાગ્યા હતાં, સાંજ સુધીમાં શહેરમાં કેટલી વિજ ચોરી પકડાઇ તેનો સતાવાર આંકડો જાહેર કરવામાં આવશે. 


નવા વર્ષની બોણી કરવા જાણે પીજીવીસીએલની ચેકીંગ સ્કવોડ ઉતરી હોય એવો ઘાટ સર્જાયો છે અને સવારે સ્થાનિક તથા બહારથી બોલાવવામાં આવેલી ટુકડીઓ સાથે વિસ્તારોને ટાર્ગેટ બનાવીને મોટાપાયે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું, પ્રાથમિક વિગતો મુજબ બેડી, બેેડેશ્ર્વર, લીમડા લેન, ગાંધીનગર, મોમાઇનગર, પંચવટી, સતવારા વાડ, દરબારગઢ સહિતના શહેરની મઘ્ય અને છેડાના બંને વિસ્તારોને તપાસના દાયરામાં આવી લેવામાં આવ્યા હતાં, વિજ ચોરી પકડવા ૩૫ ટુકડીઓ ત્રાટકી હોવાની વિગતો મળ્યા બાદ ખાસ કરીને વિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. 


પીજીવીસીએલની વિજીલન્સની આ તપાસમાં વડોદરા, રાજકોટથી આવેલી ટીમો સ્થાનિક ટીમોને સાથે લઇને ચેકીંગમાં ઉતરી હતી, રાબેતા મુજબ સુરક્ષા માટે એસઆરપીના જવાનને પણ સાથે રાખવામાં આવ્યા હતાં, સામાન્ય રીતે જામનગર શહેર-જિલ્લામાં ચેકીંગ થતાં રહે છે, પરંતુ આજે જે રીતે શહેરના ઘણા બધા વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ઘણા સમય પછી શહેરમાં પીજીવીસીએલની વિજીલન્સ દ્વારા આટલા મોટાપાયે વિજ ચોરી પકડવા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.


શહેરના ઘણા બધા વિસ્તારોમાં એકીસાથે ટીમો બનાવીને વ્હેલી સવારથી વિજ ચોરી પકડવાનું ઓપરેશન થયું છે તેના પરથી એવું લાગે છે કે, સાંજે સતાવાર રીતે વિજ ચોરીનો આંકડો જે જાહેર કરવામાં આવશે તે ખુબ મોટો હોઇ શકે છે. 


અત્રે યાદ આપી દઇએ કે સૌરાષ્ટ્રમાં લગભગ જામનગરમાં ટી એન્ડ ડી લોશ સૌથી વધુ છે, જેનો મતલબ એ થાય છે કે, જે સપ્લાય આવે છે તેની સામે જે બીલ બને છે તે ઓછા હોય છે અને વપરાશ વધુ હોય છે, તેના પરથી એવો અંદાજ કાઢવામાં આવે છે કે, વિજ ચોરી થઇ રહી છે અને ત્યારબાદ જ દરોડાઓની ઘોસ બોલાવવામાં આવે છે, આજે મોટા પાયે દરોડાના પગલે વિજ ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application