BREAKING NEWS

નવી મહાનગરપાલિકાઓ- સ્પોર્ટ્સ ઓથોરિટીમાં મોટા પાયે કરાશે ભરતી, વિદેશથી આવેલાઓને પણ નોકરીની મળશે તક... ?

  • February 02, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારની જુદી જુદી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે અત્યાર સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કામગીરી કરી રહી છે. પરંતુ નવી અસ્તિત્વમાં આવેલી મહાનગરપાલિકાઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ખાલી પડેલી જગ્યાઓ જીપીએસસી દ્વારા લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી જ ભરાશે પરંતુ આ માટે સરકારે એવી મહત્વની જાહેરાત કરી છે કે નવરચિત મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં પસંદગી પામનાર ઉમેદવાર ગુજરાત સરકારના કર્મચારી નહીં ગણાય.

અલગ અલગ 23 સંવર્ગમાં કુલ ૨૭૯ જગ્યાઓ ભરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તારીખ 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે. આગામી તારીખ 26 એપ્રિલના રોજ આ માટે પરીક્ષા લેવામાં આવશે.

માત્ર મેરીટના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને મેરીટ લીસ્ટ મુજબ પરિણામ જાહેર કર્યા પછી ઉમેદવારોનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. 300 માર્ક્સના અલગ અલગ બે પેપર રાખવામાં આવ્યા છે. જેમાં જનરલ નોલેજનું પેપર 100 માર્કનું અને જે તે વિષય તથા સંવર્ગને લગતી બાબતનું 200 માર્કનું પેપર રહેશે. ઉમેદવારે પોતાના મોબાઈલ મારફત વન ટાઈમ રજીસ્ટ્રેશન ( ઓટીઆર) ફરજિયાત કરાવવું પડશે.

મહાનગરપાલિકાઓમાં અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ખાલી પડેલી જગ્યા માટે જીપીએસસી જાણે ભરતી એજન્સીની ભૂમિકામાં આવી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સાથો સાથ અત્યાર સુધી આ પ્રકારની ભરતીઓ મહાનગરપાલિકાઓ દ્વારા સ્થાનિક કક્ષાએ કરવામાં આવતી હતી અને સરકારમાંથી મંજૂરી મેળવ્યા બાદ તે અંતિમ ગણવામાં આવતી હતી. પરંતુ હવે તો આમાં ભરતીની બાબતમાં ક્યાંય મહાનગરપાલિકા ચિત્રમાં જ ન હોય તેવું જણાઈ રહ્યું છે.

ગાંધીધામ કરમસદ આણંદ મહેસાણા મોરબી નડિયાદ નવસારી પોરબંદર સુરેન્દ્રનગર વાપી સહિતની 9 નવરચિત મહાનગરપાલિકાઓમાં અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જે ભરતી થવાની છે તેમાં સૌથી મોટી અને ચોકાવનારી બાબતો એ છે કે ભારત ઉપરાંત નેપાળ ભૂતાનનો નાગરિક અને તિબેટનો નિર્વાશીત પણ અરજી કરી શકશે. આવી જ રીતે તારીખ 1 જાન્યુઆરી 1962 પહેલા ભારતમાં કાયમી વસવાટના ઈરાદાથી આવેલા પાકિસ્તાન બાંગ્લાદેશ બર્મા શ્રીલંકા કેન્યા યુગાન્ડા, ટાનઝાનિયા મલાવી ઝૈર ઈથોપિયા અને વિયેટનામ જેવા દેશમાંથી આવેલા લોકો પણ અરજી કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application