રાજકોટના આંગણે ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો સેરેમની કાર્યક્રમ સંદર્ભે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સર્કિટ હાઉસ ખાતે પહોંચતા તેઓના સન્માન સંદર્ભે યોજવામાં આવેલ ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી આપતી વેળાએ ગાર્ડના તાલમેલ વિખાતા સલામી વેળાએ ગાર્ડ દ્વારા ચૂક ( લોચો) લાગ્યાનું ડીજીના ધ્યાને આવતા ડિસિપ્લિનના આગ્રહી વિકાસ સહાયે એચ.ક્યૂ અધિકારીઓ ને ગાર્ડ ને પ્રેક્ટિસ કરાવવા ગર્ભિત ટકોર કરતા આ ઘટના એ પોલીસ બેડામાં ચકચાર જગાવી છે.
રાજકોટ ખાતે ગઈ કાલથી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ ઓપનિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાંરાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્કિટ હાઉસ તેમજ પોલીસ હેડ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે આઇજીપી વિકાસ સહાયને સન્માનિત કરવા સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી છત્રીશ જેટલી ટીમો રાજકોટ ખાતે આવી હોય જે અંગે શહેર પોલીસ દ્વારા ઝાઝરમાંન તૈયારીઓ કરવામાં આવી હતી જેની ઓપનિંગ સેરેમની નું ઉદઘાટન ખુદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ના હસ્તે રાખવામાં આવ્યું હતું.
જે સંદર્ભે ગઈકાલે સવારે 9:00 કલાકે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા જેઓના સન્માન સંદર્ભે પોલીસ બેન્ડ સાથે ગાર્ડ ઓફ ઓનર દ્વારા સલામી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસવડાને સર્કિટ હાઉસ ખાતે ફુલ વર્ધી સાથે હેડ ક્વાર્ટર્સના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવી હતી તે દરમિયાન ગાર્ડના તાલમેલ વિખાતા સલામીમાં લોચો (ક્ષતિ) લાગી જતા ડીજીના ધ્યાને આવી જતા સલામી સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડીજીપીએ હેડ ક્વાટર્સના અધિકારીઓને ગર્ભિત ટકોર કરી ગાર્ડને પ્રેક્ટિસની જરૂર છે તેવું કહેતા આ ઘટના પોલીસ બેડામાં અને ઉચ્ચ અધિકારીઓ સુધી નોંધ અને ચર્ચાનો વિષય બની ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હોકી ટુર્નામેન્ટ રાજકોટ યજમાન સ્થાને હોય ત્યારે અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓની વ્યવસ્થામાં પણ અનેક ચૂક રહી ગઈ હોય હોવાની બુમ ઉઠી હતી એટલું જ નહીં અમુક અધિકારીઓ તેમજ તેમની જાણીતી એજન્સીઓ ને કામ નહીં મળતા સમગ્ર રાજકોટ પોલીસને બદનામી મળે તે પ્રકારના પ્રયાસો થયા ની પોલીસ મેળામાં ચોમેર ચર્ચાએ જોર પકડ્યું છે.
સલામીમા થયેલ ક્ષતિની સજા પરેડ ગ્રાઉન્ડમાં ઉતરે તો નવાઈ નહી
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય ભૂતકાળમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી તેમજ કરાઇ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવી ચૂક્યા હોય જેથી ડિસિપ્લિન તેમજ ટન આઉટના આગ્રહી હોય સલામી દરમિયાન થયેલ સામાન્ય ચૂક ને ટકોર કરી પરંતુ હવે એ જોવાનું રહ્યું કે આ ભૂલની સજા ક્યાંક પોલીસ હેડ ક્વાર્ટર્સ પરેડમાં જતા જવાનોને ભોગવવાનો વારો ન આવે તો સારું તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.