રાજકોટ શહેરમાં લોકો પોતાના ધંધા વ્યવસાય અથવા તો એકાએક આવી ગયેલી આફતોના કારણે વ્યાજે નાણા લેવા મજબૂર બનતા હોય છે ત્યારે વ્યાજનો કાળો કારોબાર ચલાવતા વ્યાજખોરો નાણા લેનારની મજબૂરીનો લાભ ઉઠાવી તગડું વ્યાજતો લેતા જ હોય છે તેમ છતાં જો વ્યાજ દેવામાં કે મૂડી દેવામાં મોડું થાયતો ન કરવાનું કરતા હોય તેઓ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મિત્ર પાસેથી લીધેલા નાણાનું સમયસર વ્યાજ ચૂકવી દેવા છતાં મૂડીની ઉઘરાણી કરતા વેપારીએ હાલ મૂડી નહીં હોવાનું કહેતા વ્યાજખોરે પૈસા ન થાય ત્યાં સુધી તારી ઘરવાળીને મૂકી જા તેમ કહી મારમાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના વિમલનગર મેઈન રોડ પર આવેલ 99 વેરી ગુડ એપાર્ટમેન્ટમાં રહેતા તેમજ બીટી સવાણી હોસ્પિટલ નજીક પિતૃકૃપા નામનું રેસ્ટોરન્ટ ધરાવતા દિલીપભાઈ વાઘજીભાઈ ચીખલીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં દિલીપભાઈએ જણાવ્યા મુજબ દિલીપભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતા છ માસ પૂર્વે તેમણે પોતાની પત્નીના ઘરેણા ગીરવે મૂકી વ્યાજ વટાવનો ધંધો કરતા મિત્ર દીપક પાસેથી રૂપિયા દોઢ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા અને તે નાણાંનું દર માસે વ્યાજખોર દીપક, દિલીપભાઈના રેસ્ટોરન્ટે આવી વ્યાજ લઈ જતો હતો.
ગત બુધવારે સવારે દિલીપભાઈ ચીખલીયા પોતાની પિતૃકૃપા નામના રેસ્ટોરન્ટે હાજર હતા ત્યારે મિત્ર એવો વ્યાજખોર દિપક ત્યાં આવ્યો હતો અને કારમાં બેસી જવા દિલીપભાઈને કહ્યું હતું અને દીપકે રૂપિયા દોઢ લાખ મૂડી અને વ્યાજની ઉઘરાણી શરૂ કરી હતી, જેથી વેપારીએ તેને કહ્યું હતું કે વ્યાજતો સમયસર ચૂકવી જ આપું છું હાલ મારી પાસે મૂડીની વ્યવસ્થા થાય તેમ નથી જેથી ગુસ્સે ભરાયેલા દીપકે ગાળાગાળી કરી તારાથી પૈસાનો મેળ ન થાય તો ત્યાં સુધી તારી ઘરવાળીને મૂકી જા તેમ કહી મોઢા પર માર માર્યો હતો.
વ્યાજખોર દિપકે રસ્તા પર જ વેપારી દિલીપભાઈ ના રેસ્ટોરન્ટ પાસે તેની સાથે માથાકૂટ કરતા ત્યાં લોકો એકઠા થઈ જતા વ્યાજખોર કાર લઈ નીકળી ગયો હતો જેથી વેપારી દિલીપભાઈ ચીખલીયા એ આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથધરી હતી.